નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 29મી એપ્રિલ, મંગળવારે NSA, CDS અને ત્રણેય સેના (આર્મી, નેવી અને એરફોર્સ)ના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તેમને પાકિસ્તાન પર હુમલાની ખુલ્લી છૂટ આપી હતી. હુમલા માટે સ્થળ અને સમયની પસંદગીની જવાબદારી પણ મોદીએ સેનાને સોંપી હોવાના અહેવાલો છે.
પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) નો બદલો લેવા માટે ભારત ગમે ત્યારે પાકિસ્તાન (Pakistan) પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ત્રણેય સેનાના પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલની સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સશસ્ત્ર દળોને 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ભારતની પ્રતિક્રિયાની પદ્ધતિ, લક્ષ્યો અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. અઢી કલાકની આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકારને સેના પર પુરો વિશ્વાસ છે. પાકિસ્તાન પર ક્યાં અને ક્યારે હુમલો કરવો છે તે માટે સમય અને સ્થળની પસંદગી પીએમ મોદીએ સેના પર છોડી છે. તેથી હવે સેના દ્વારા પાકિસ્તાનના સ્થળો અને ટાર્ગેટ તેમજ સમય નક્કી કરવામાં આવશે જે બાદ હુમલા કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદના સફાયા માટે ચાલી રહેલા ઓપરેશન અંગે પણ મોદીએ સેના પ્રમુખ પાસેથી માહિતી મેળવી હતી. ઓપરેશનને વધુ આક્રામક બનાવવાની પણ સેનાને ખુલી છૂટ અપાઇ હતી. એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણી પાસે સમય ઓછો છે અને લક્ષ્ય મોટુ છે. જોકે મોદીની આ વાતથી લોકો ઉત્સાહિત થઇ ગયા હતા, બાદમાં મોદીએ કહ્યું હતું કે આ વાત હું વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નથી કરી રહ્યો.