Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 28 લોકોના મોત થયા છે. જેના કારણે સમગ્ર દેશના લોકોમાં આંતકવાદને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. પીએમ મોદી પણ તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. ત્યારે હવે પડોશી દેશ પાકિસ્તાન આ મામલે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા
ભારતમાં પાકિસ્તાન (pakistan)ના ભૂતપૂર્વ હાઇ કમિશનર તરીકે સેવા આપી ચૂકેલા અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ ભારતના કોઈપણ દુ:સાહસને અટકાવવા માટે ઈસ્લામાબાદ તમામ શક્ય પગલાં લઈ રહ્યું છે. મને એમાં કોઈ શંકા નથી કે આ વખતે પાકિસ્તાનનો પ્રતિસાદ ખૂબ જ કડક હશે.
પાકિસ્તાને આખી રાખી એરફોર્સ એલર્ટ પર રાખી
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ભારતીય કાર્યવાહી (Air Strike) નો ડર સતાવી રહ્યો છે. જેના કારણે તેઓએ આખી રાત પાકિસ્તાની વાયુસેનાને એલર્ટ મોડ પર રાખી હતી. ફ્લાઇટ રડાર ડેટામાં નોંધાયેલી પાકિસ્તાન વાયુસેનાની અસામાન્ય પ્રવૃત્તિઓ દ્વારા આ વાત સામે આવી છે.
લશ્કરનો સૈફુલ્લાહ માસ્ટરમાઇન્ડ
પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ હોવાનું ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી કાર્યરત છે. તેનું સ્થાન રાવલકોટ હોવાનું કહેવાય છે. સૈફુલ્લાહએ એક મહિના પહેલા પણ હુમલાની ચેતવણી આપી હતી. આનો 2019નો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સૈફુલ્લાહએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને ઠંડો પડવા દેવો જોઈએ નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
પહેલગામમાં આતંકવાદી હુમલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ પહોંચ્યા છે. અહીં તેમણે મૃતકોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શાહ સાથે ફોન પર વાત કરી છે. અમેરિકા, ઈરાન, રશિયા, ઇટાલી, યુએઈ અને અન્ય દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી છે.
TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી
લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા.
આતંકીઓએ ગોળી મારતા પહેલા નામ પૂછ્યા
પ્રવાસીઓને ગોળી મારતા પહેલા આતંકવાદીઓએ તેમના નામ પૂછ્યા અને તેમને કલમાનો વાંચવા કહ્યું. તેમાંથી એક યુપીનો શુભમ દ્વિવેદી હતો, જેને આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા બાદ માથામાં ગોળી મારી દીધી હતી. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.
