Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 28 ભારતીય નાગરિકના મોત થયા છે. આ આતંકી હુમલાનો ભોગ બનેલા સુરતના શૈલેષભાઈ કળથીયાની આજે ગુરૂવારે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન મૃતક શૈલેશભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, ‘કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, વાંધો તો આપણી સરકાર-સિક્યોરિટીમાં છે.’
આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથીયા (Shailesh Kalathiya)નો પાર્થિવ દેહ બુધવારે (23મી એપ્રિલ) સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ.
શૈલેષભાઈ કળથીયાની અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C R Patil), ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા.
શૈલેષ કળથીયાની અંતિમયાત્રા નીકળે એ પહેલાં તેમની પત્નીએ વ્યથા ઠાલવતાં કહ્યું કે આતંકીઓ હુમલો કરવા આવ્યા ત્યારે મુસ્લિમોને કંઇ ન કર્યુ અને જેટલા હિન્દુ હતા એમને અલગ ઊભા કરીને બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો રહ્યો હતો આતંકી. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીર સામે કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. એવી જગ્યા કે જ્યાં આટલા ટુરિસ્ટ હતા તેમ છતાં પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખી ફરવા ગયા હતા અને હવે એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. જો હવે આપણા દેશની જ આર્મી આવું બોલશે તો પછી જવાબદારી કોણ લેશે?
તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?
મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, ત્યાં કોઈ સુવિધા નહિ, કોઈ આર્મી નહિ, કો કોઈ પોલીસ નહિ. જ્યારે મોટા-મોટા નેતા આવે કે VIP આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ, ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે? ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને? VIP માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં બુમો પાડી-પાડીને કહેતી હતી કે, ઉપર કેટલા લોકો ઈજાગ્રસ્ત છે, તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો. અમે ઉપરથી પડતા-આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસેલિટી નહોતી પહોંચી. ઉપર આટલું બધુ થઈ ગયુ હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે?આંતકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ-મુસ્લીમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યમાં આર્મી હતી ત્યાં અને જ્યા ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન, પોલીસમેન કે કોઈ ફર્સ્ટ એઈડ કીટ નહિ. કંઈ જ સુવિધા નહીં. તેમાંથી પણ એક આર્મીમેન કહે છે કે, તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp