Pahalgam Terror Attack : ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે જાણીતા જમ્મુ-કશ્મીરના પહેલગામ (Pahalgam)માં મંગળવાર, 22 એપ્રિલ 2025ના રોજ બપોરે લગભગ 2-45 મિનિટે બૈસરન મેદાનોમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 28 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 25થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
કેન્દ્રીય એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ The Resistance Front (TRF), એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) નું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે. જેની રચના 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કરવામાં આવી હતી.
આ આતંકવાદી સંગઠનની શરૂઆત એક ઓનલાઈન યુનિટ તરીકે થઈ હતી. પરંતુ તે ઝડપથી એક સંપૂર્ણ આતંકવાદી સંગઠન તરીકે વિકસ્યું. જેમાં તહરીક-એ-મિલ્લત ઇસ્લામિયા અને ગઝનવી હિંદ જેવા હાલના સંગઠનોના તત્વો પણ આ સંગઠનમાં જોડાઇ ગયા હતા.
ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ હુમલા પાછળ ત્રણ આતંકવાદીઓના નામ પણ જાહેર કર્યા છે. આતંકીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. આ હુમલામાં જીવીત રહેલા લોકોના નિવેદનનોના આધારે આ સ્કેચ બનાવવામાં આવ્યાં છે. આમને શોધવા માટે ભારતીય સેના દ્વારા ઘાટીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આતંકવાદ હુમલાને લઇ રાહુલ ગાંધીએ કહ્યું અમારો સંપૂર્ણ સહયોગ છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે રાહુલ ગાંધીએ વાત કરી છે. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે નિર્દોષ પીડિતોને ન્યાય મળવો જોઈએ. CM અબ્દુલ્લા સાથે પણ રાહુલ ગાંધીએ વાત કરી તથા વિપક્ષી દળોના નેતાઓએ હુમલાની કરી નિંદા.
પહેલગામ આતંકી હુમલા બાદ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ છે. ત્રણેય સેના પ્રમુખો સાથે રક્ષામંત્રીએ બેઠક યોજી છે. NSA અજીત ડોભાલ પણ બેઠકમાં ઉપસ્થિત છે. 2.30 કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ છે.
પાકિસ્તાને ફરી ઓકાત બતાવી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સંડોવણી ચર્ચામાં આવી છે, જોકે, નફ્ફટ પાકિસ્તાની (Pakistan) સરકારે આ આરોપોને નકારી વિવાદિત નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે (Asif Khawaja) એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા નિવેદનમાં દાવો કર્યો કે પહેલગામ હુમલા સાથે તેમના દેશનો કોઈ સંબંધ નથી અને પાકિસ્તાન દરેક પ્રકારના આતંકવાદી ઘટનાની નિંદા કરે છે.
ઉલટા ચોર કોતવાલ કો ડાટે
કહેવાત છે, ઉલટા ચોર કોતવાલ કો ડાટે તે આજે ચરિતાર્થ થઇ હોય તેમ લાગે છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારત પર આરોપ લગાવ્યો કે આ હુમલામાં ભારતના જ લોકો સામેલ છે. ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાનું કારણ હોઈ શકે છે. પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ જ સંબંધ નથી અને તેઓ આવા હુમલાઓની સખત નિંદા કરે છે, ખાસ કરીને નાગરિકો પર થતા હુમલાઓની. આ નિવેદનથી વિવાદ વધ્યો છે, કારણ કે તેમના આરોપોને ઘણા લોકો પાકિસ્તાનને પોતાની જવાબદારીથી હાથ ખંખેરવાની ચાલ તરીકે જુએ છે
2019 પછી સૌથી મોટો હુમલો
પહેલગામમાં થયેલો હુમલો 2019માં કલમ 370 નાબૂદ થયા પછીનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણવામાં આવે છે, તેની જવાબદારી ISI-સમર્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી છે. આ ઘટનાના ભયાનક દ્રશ્યો દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા અને જંગલોમાં છુપાતા જોવા મળે છે.
પાકિસ્તાને આખી રાખી એરફોર્સ એલર્ટ પર રાખી
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ભારતીય કાર્યવાહી (Air Strike) નો ડર સતાવી રહ્યો છે. જેના કારણે તેઓએ આખી રાત પાકિસ્તાની વાયુસેનાને એલર્ટ મોડ પર રાખી હતી. ફ્લાઇટ રડાર ડેટામાં નોંધાયેલી પાકિસ્તાન વાયુસેનાની અસામાન્ય પ્રવૃત્તિઓ દ્વારા આ વાત સામે આવી છે.
લશ્કરનો સૈફુલ્લાહ માસ્ટરમાઇન્ડ
પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ હોવાનું ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી કાર્યરત છે. તેનું સ્થાન રાવલકોટ હોવાનું કહેવાય છે. સૈફુલ્લાહએ એક મહિના પહેલા પણ હુમલાની ચેતવણી આપી હતી. આનો 2019નો એક વીડિયો પણ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સૈફુલ્લાહએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને ઠંડો પડવા દેવો જોઈએ નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
પહેલગામમાં આતંકવાદી હુમલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ પહોંચ્યા છે. અહીં તેમણે મૃતકોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શાહ સાથે ફોન પર વાત કરી છે. અમેરિકા, ઈરાન, રશિયા, ઇટાલી, યુએઈ અને અન્ય દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી છે.
TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી
લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા.
આતંકીઓએ ગોળી મારતા પહેલા નામ પૂછ્યા
પ્રવાસીઓને ગોળી મારતા પહેલા આતંકવાદીઓએ તેમના નામ પૂછ્યા અને તેમને કલમાનો વાંચવા કહ્યું. તેમાંથી એક યુપીનો શુભમ દ્વિવેદી હતો, જેને આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા બાદ માથામાં ગોળી મારી દીધી હતી. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.
