Operation Sindoor News: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતે 6 મેની મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી અને 9 આતંકવાદી અડ્ડાઓને ઉડાવી દીધા હતા. હવે પાકિસ્તાન પણ વળતો હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. જેમાં ડ્રૉન મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પાકિસ્તાન પણ ઉતાવળું થયું છે, સતત જવાબી કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે. આજે સવારે કચ્છના ખાવડા નજીક ડ્રૉન જેવું શંકાસ્પદ ઉપકરણ મળી આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
આ સમગ્ર ઘટના અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે, હાલમાં તપાસ ચાલી રહી છે કે, આ ઉપકરણ શું હતું. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે, સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. શંકાસ્પદ ઊડતી વસ્તુ સરહદ પારથી આવી હતી કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
સંભવિત કોઈ ઊડતી વસ્તુ RI પાર્કના વીજ પોલ સાથે ટકરાઈને પડ્યો હોય અથવા તોડી પડાયો હોવાની વાત છે. પોલીસે એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ સામેલ છે.
27 એરપોર્ટ 10મી સુધી બંધ
ઓપરેશન સિંદૂર’ પછી ભારત હાલમાં હાઇ એલર્ટ પર છે. સાવચેતીના પગલા તરીકે, ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના કુલ 27 એરપોર્ટ 10 મે, શનિવાર સવારે 5:29 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ભારતીય એરપોર્ટમાં શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ, અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, હલવારા, પઠાણકોટ, ભુંતર, શિમલા, ગગ્ગલ, ધર્મશાલા, કિશનગઢ, જેસલમેર, જોધપુર, બિકાનેર, મુંદ્રા, જામનગર, રાજકોટ, પોરબંદર, કંડલા, ભુજના અને ભુજલોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે લશ્કરી ચાર્ટર માટે ઉપયોગમાં લેવાતા એરપોર્ટ પણ બંધમાં સામેલ છે.
એરપોર્ટ બંધ થવાને કારણે, હવાઈ ટ્રાફિક પણ ભારે ખોરવાઈ ગયો છે. ભારતીય એરલાઇન્સે ગુરુવારે 430 ફ્લાઇટ્સ રદ કરી, જે દેશની કુલ સુનિશ્ચિત ફ્લાઇટ્સના લગભગ 3 ટકા છે. પાકિસ્તાની એરલાઇન્સે પણ તેની 147 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જે તેની દૈનિક નિર્ધારિત ફ્લાઇટ્સના 17 ટકા છે.
સંવેદનશીલ ઝોનથી બચવા માટે, ફ્લાઇટ્સ તેનું રૂટ બદલી રહી છે અથવા રદ કરવામાં આવી રહી છે. બુધવારે લગભગ 250 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમૃતસર જતી તેની બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને દિલ્હી ડાયવર્ટ કરવી પડી હતી. અમેરિકન એરલાઇન્સે પણ તેની દિલ્હી-ન્યૂ યોર્ક ફ્લાઇટ રદ કરી.