Parliament Winter Session: સંસદના શિયાળુ સત્રના 17માં દિવસે સરકારે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન (One Nation One Election) બિલ રજૂ કર્યું છે. આ બિલને 12 ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે એક દેશ, એક ચૂંટણી માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલને જેપીસીને સંમતિ માટે મોકલવામાં આવશે. જોકે, ભાજપ અને શિવસેનાએ તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. તેમજ ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું.
કોંગ્રેસે વ્હીપ જાહેર કરી
આ બિલને એનડીએના સહયોગી દળોનું સમર્થન પણ મળ્યું છે. સાથી પક્ષો સરકાર અને બિલની સાથે જોવા મળી રહ્યા છે. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શન (One Nation One Election) બિલનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષ તેને બિનજરૂરી બિલ અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવનારું ગણાવી રહ્યું છે. કોંગ્રેસના તમામ લોકસભા સાંસદોને વ્હીપ જારી કરવામાં આવ્યુ છે.કાર્યવાહી માટે ગૃહમાં તેમની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.
અર્જુન મેઘવાલે બિલ રજૂ કર્યું
આ બિલ દ્વારા સરકાર ઈચ્છે છે કે સમગ્ર દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજવામાં આવે. લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા પાછળ અનેક પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે.સરકાર અને આ બિલ સાથે જોડાયેલી સમિતિનો દાવો છે કે ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થતાંની સાથે જ સરકાર કોઈ નવી યોજના લાગુ કરી શકશે નહીં. આચારસંહિતા દરમિયાન નવા પ્રોજેક્ટ, નવી નોકરીઓ કે નવી નીતિઓની જાહેરાત કરી શકાતી નથી અને તેની અસર વિકાસના કામો પર પડે છે. દેશને વિકાસમાં અવરોધોનો સામનો કરવો પડે છે, દરરોજ દેશના સંસાધનો ખર્ચાય છે અથવા ચૂંટણીમાં ફસાઈ જાય છે. દાવો કરવામાં આવે છે કે આનાથી સરકારી કર્મચારીઓને ચૂંટણી ડ્યુટીમાંથી પણ મુક્તિ મળશે.