HNGU News | છબરડાં માટે પંકાયેલી હેમચંદ્રાચાર્ય HNGU (ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ)ની ફરી ઘોર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓની એલ.એલ.બી સેમેસ્ટર 4ની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં વર્ષ 2024નું બેઠેબેઠું પેપર 2025માં પૂછી નાખવામાં આવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી શિક્ષણની સ્થિતિ ખાડે ગઇ છે, ક્યારેય પેપર ફૂટી જાય છે તો ક્યારેક પરીક્ષામાં ચોરીઓ કરાવાતી હોવાના કિસ્સા સામે આવે છે. આમ છતાં ગુજરાત સરકાર શિક્ષણ સ્તર સુધર્યું હોવાના બણગાં ફૂંકે છે. ત્યારે વધુ એકવાર HNGU (Hemchandracharya North Gujarat University) નો ફરી એક છબરડો અને ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે (Yuvrajsinh Jadeja) શિક્ષણ વિભાગ પર ગંભીર સવાલ ઉઠાવી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલતું હોવાનો આક્ષેપ કર્યા છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓની LLB SEM-4ની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં 7 એપ્રિલ 2025 ના રોજ ન્યાય શાસ્ત્રના વિષયનું પેપર હતું. પરીક્ષામાં જે પેપર પૂછવામાં આવ્યું હતું તે બેઠેબેઠું વર્ષ 2024નું હતું. પેપર પર માર્ચ 2024 લખેલું હતું, એટલું જ નહી પ્રશ્ન ક્રમાંક અને સમય સુદ્ધાં બદલવાની યુનિવર્સિટી દ્વારા તસદી લેવામાં આવી હતી. વર્ષ 2024નું બેઠેબેઠું પેપર 2025માં પૂછી નાખવામાં આવ્યું હતું.
જોકે વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા પછી ખબર પડી હતી કે 2024નું પેપર નાખ્યું છે. યુનિવર્સિટીની આ બેદરકારી ઉડીને આંખે વળગે એવી છે, પરંતુ હજુ સુધી તંત્ર ઘોર નિદ્રામાં છે. આવો છબરડો ફક્ત હેમચંદાચાર્ય યુનિવર્સિટી નહીં પરંતુ પાટણની શેઠ એમ.એન લો કોલેજ અને ઉંઝા લો કોલેજ પણ પરીક્ષામાં આવો મોટો છબરડો થયો છે. આ કોલેજોમાં કાયદાશાસ્ત્રના પેપરમાં પણ ગત વર્ષનું પેપર પૂછાયું છે.અડધી કોલેજમાં 2025નું અડધી કોલેજમાં 2024નું પેપર આવ્યુ છે.
યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે ‘અમે આ બે કોલેજ પેપર ચેક કર્યા છે, જેમાં દેખીતું છબરડો સાબિત થાય છે. બની શકે અન્ય કોલેજમાં પણ આ લાપરવાઇ થઈ હોઈ શકે. HNGU અને સરકારને વિનંતી કે કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવે. અમારા આક્ષેપ ઉપર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને વર્ષ ન બગડે તે રીતે અભિપ્રાય લઈને એક્શન લેવામાં આવે.
You Can also Follow us on Social Media
Youtube | Facebook | Instagram | X (Twitter) | WhatsApp