Rajkot Food Poisoning News: ગુજરાતમાં હાલ અતિશય ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર જતો રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી શરીરને ડી-હાઈડ્રેશનથી બચાવવા અને શરીરમાં પાણીની માત્રા જળવાય રહે તે માટે લીંબુ શરબત,શેરડી,તરબુચ અને છાશનું સેવન કરતા હોય છે.આ સિવાય ઉનાળા દરમિયાન ઘણી સેવાકીય સંસ્થા દ્વારા પાણીની પરબ શરબત કે છાશનું વિતરણ કરવામાં આવતું હોય છે.ત્યારે રાજકોટ શહેરમાં એક ઘટના એવી સામે આવી જેમાં ગુરૂવારે રાત્રે છાશ પીધા પછી 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ખાનગી ટ્રસ્ટે છાશનું વિતરણ કર્યું હતું. છાશનું સેવન કર્યા પછી બાળકોમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને બાળકોને ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં ખસેડવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર રાજકોટના ભવાની નગર વિસ્તારમાં સેવાકીય ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી.ત્યારે ગુરૂવારે સાંજે આ વિસ્તારના બાળકોએ છાશ પીધા બાદ સ્થિતિ લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી.જે બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલિક 10 જેટલા બાળકોને સારવાર અર્થે ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અન્ય 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર અપાઈ હતી.તાત્કાલિક સારવાર મળતાં મોટાભાગના બાળકોની હાલત સ્થિર છે, જ્યારે જયરાજ હિતેષભાઇ જાડા નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી ICUમાં દાખલ છે.