Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે. જેમાં ગુજરાતભરના લોકોને આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી રાહત નહીં મળે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું.
27 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 27 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે. જેમાં પાંચ દિવસ દરમિયાન એટલે કે 23 જાન્યુઆરી સુધી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર ન હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે
હવામાન નિષ્ણાતના મતે, આગામી 19 તારીખથી પવનમાં સામાન્ય રાહત મળશે. 19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે. જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે. જેના કારણે 18 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ આવી શકે છે. આ સાથે જ 18-19 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જોકે, માવઠું થઈ જાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વાદળો હશે.