Manmohan Singh Death: જાણો મનમોહન સિંહનો અંતિમ સંસ્કાર ક્યા સ્થળ પર થશે? શું છે સરકારી પ્રોટોકોલ

Manmohan Singh Death: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું હતું. તેઓ 2004-14 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) ના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh) ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકિય સન્માન સાથે કરવામાં આવશે. શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે જેમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીના મોતીલાલ નહેરુ માર્ગ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે.

પૂર્વ વડાપ્રધાનના રાજકીય પ્રોટોકોલ

દેશના પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર વખતે રાજકીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. જેમાં દેશ પ્રત્યેના તેમના યોગદાન અને તેમના પદની ગરિમાનું સન્માન કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ વડાપ્રધાનના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવે છે. અંતિમ સંસ્કાર દરમિયાન તેમને 21 તોપોની સલામી આપવામાં આવે શે. આ ઉપરાંત સુરક્ષા અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. આ સિવાય સૈન્ય બેન્ડ અને સશસ્ત્ર દળોના જવાનો પણ અંતિમ યાત્રામાં ભાગ લે છે.

અંતિમ સંસ્કાર દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવશે

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં વિશેષ સ્મારક સ્થળો પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં થયા હતા. જો કે, અંતિમ સંસ્કારની પદ્ધતિ મૃત વ્યક્તિ અને તેના પરિવારની ધાર્મિક માન્યતાઓ અનુસાર છે. પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે દિલ્હીમાં થાય છે. કેટલીકવાર અંતિમ સંસ્કાર ગૃહ રાજ્યમાં પણ થઈ શકે છે.ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) ના પાર્થિવ દેહને આવતીકાલે 28 ડિસેમ્બરે કૉંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવશે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમનો અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે કરવામાં આવશે.

Scroll to Top