સરદારધામના ટ્રસ્ટી સામે મોટો આરોપ, જમાઇને પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયા મોકલીને કરોડની છેતરપિંડી કરવાનો મામલો

 

પાલડીમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા યુવકને તેના સસરાએ નોકરી છોડાવીને ધંધામાં જોડાવવાનું કહીને ભાગીદારી પેઢી તૈયાર કર્યા બાદ તેને ઓસ્ટ્રેલિયાના પ્રોજેક્ટ માટે મોકલીને તેની જાણ બહાર બનાવટી દસ્વાતેવજ તૈયાર કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે પોલીસ રાજકીય દબાણમાં આવીને કામ કરતી હોવાના આક્ષેપ સાથે સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચ કે અન્ય એજન્સીને સોંપવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. ભોગ બનનાર યુવકે આક્ષેપ કર્યો છે કે મુખ્ય આરોપી કાંતિભાઇ પટેલ સરદારધામના ટ્રસ્ટી હોવાથી રાજકીય વગ ધરાવે છે અને અન્ય બે આરોપીઓ પાસે ઓસ્ટ્રેલિયાના પીઆર છે. જેથી તે ધરપકડ ટાળવા દેશ છોડીને નાસી જઇ શકે છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે પાલડીમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર પટેલે પાલડી પોલીસ સ્ટેશનમાં તેના સસરા કાંતિભાઇ પટેલ, પત્ની ગોપી , સાળા મિતુલ પટેલ (તમામ રહે. સંગઠન સોસાયટી, વસ્ત્રાપુર)અને રાકેશ સાવલિયા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને ભાગીદારી પેઢી શરૂ કરાવીને રોકાણ કરાવ્યા બાદ અન્ય પ્રોજેક્ટ માટે ઓસ્ટ્રેલિયા મોકલીને તેની જાણ બહાર બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.. આ કેસમાં અગાઉ ફરિયાદ કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. જો કે કાંતિભાઇ પટેલ સરદારધામના ટ્રસ્ટી હોવાની સાથે રાજકીય ધરોબો ધરાવતા હોવાથી પોલીસ ગુનો નોંધવામાં આનાકાની કરતી હતી. છેવટે વિરેન્દ્ર પટેલ પુરાવા સાથે કોર્ટમાં દાદ માંગી હતી. જેમાં કોર્ટે આ મામલે ગંભીર નોંધ લઇને પોલીસને ગુનો નોંધીને તસ્ટથપણે કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી. જેથી માંડ ગુનો નોંધાયો હતો. પરંતુ, ત્યારબાદ ફરીથી રાજકીય દબાણમાં આવીને પાલડી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ સંદર્ભમાં વિરેન્દ્ર પટેલે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે ચાર પૈકી ગોપી અને મિતુલ પટેલ ઓસ્ટ્રેલિયાના પીઆર ધરાવે છે. જેથી તે ધરપકડ ટાળવા વિદેશમાં નાસી જઇ શકે છે. તો મુળ સુરતના ઉગામેડી ગામના કાંતિભાઇ ગઢીયા (પટેલ) રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી પોલીસ તેમની સામે કાર્યવાહી કરતા અચકાઇ છે. આ ઉપરાંત, આરોપીઓ પુરાવામાં ચેડા પણ કરી શકે છે. જેથી આ કેસની તટસ્થ તપાસ થાય તે માટે કેસની તપાસ ક્રાઇમબ્રાંચ કે અન્ય એજન્સીને સોંપવા માટે પુરાવા સાથે માંગણી કરવામાં આવી છે.

Scroll to Top