જમ્મુ અને કાશ્મીરના પહલગામ (Pahalgam Terror Attack)માં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મૃત્યુએ ઘણા પરિવારોને નિરાધાર અને બાળકોને અનાથ બનાવ્યા છે. આ દુ:ખદ અકસ્માત બાદ, દેશભરમાંથી મદદનો વરસાદ શરૂ થઈ ગયો છે.
આ સમયે સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણી (Mahesh Savani)એ એક મોટું માનવતાવાદી પગલું ભર્યું છે. પી.પી. સવાણી પરિવારે આ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભી છે. આ તકે પી.પી.સવાણી પરિવારના મહેશ સવાણીએ જાહેર કર્યું કે, ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પી.પી. સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઊભો છે. પહલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું.
મહેશ સવાણીએ એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું કે આતંકી હુમલાનો ભોગ બનેલા પરિવારનું બાળક ગમે તે રાજ્યના હોય, ભલે તેઓ કોઈપણ બોર્ડ (CBSE, GSEB કે અન્ય) માં અભ્યાસ કરતા હોય, તેમના શાળાકીય શિક્ષણથી લઈને NEET, JEE અને ગ્રેજ્યુએશન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સુધીનો ખર્ચ પીપી સવાણી સ્કૂલ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉઠાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકો માટે તેમના જૂથની શ્રદ્ધાંજલિ હશે.