Mahesh Savani અને વલ્લભ સવાણીનું કારસ્તાન!
Mahesh Savani Controversy | અમે સાચા છે, અહિયા અમે ખોટા નથી, અમે મહાદેવ હારું લડતા છે, અમારો કોઈ જાતનો સ્વાર્થ નથી કે આ જમીન અમારી પાસે આવી જાહે અને અમે ખાઈ જહુંને એમાંથી અમે પૈસા પડાવી લેહું. અમારી આવું કોઈ જ ઈચ્છા નથી. અમારા અબડામા ગામમાં જે મહાદેવ મંદિર આવ્યું છે. અમરીશ્વર મહાદેવ મંદિર, એની જે પાંચ જગ્યા છે એમાંની બે જગ્યા અમારા મહાદેવના પૂજારી ભિરેનભાઈએ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને તેમનો પૌત્ર મિટુલભાઈ મહેશભાઈ સવાણીને વેચી દીધી છે.
આ શબ્દો છે સુરતના અબ્રામા ગામના ગ્રામજનોની, આ માત્ર શબ્દ નથી પરંતુ ગ્રાજનોની વેદના છે. અબ્રમા ગામમાં આવેલું વર્ષો જૂનું અંબરીષેશ્વર મહાદેવની જગ્યા સહીતની જમીન ઉદ્યોગપતિ મહેશ પટેલને વેચી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
મહેશ સવાણી આ શબ્દ કાને સંભળાયે ત્યારે સૌથી પહેલા એક ચિત્ર ઊભું થાય, અનાથ દીકરીઓના લગ્ન માટે જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમનું નામ એક ટ્રસ્ટની અને મંદિરની જમીનની ખરીદીના કારણે ચર્ચામાં આવ્યું છે.
સુરતના અબ્રામા ગામમાં વર્ષો જૂનું અંબરીષેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પણ હવે આ મંદિરની જગ્યા વિવાદમાં આવ્યું છે. વર્ષ 2019માં ઉદ્યોગપતિ મહેશ સવાણીએ 9.50 કરોડની કિંમતે પૌરાણિક મંદિરની જગ્યા સહીતની જમીન ખરીદી હતી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે 2019માં 3 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભવ્ય મંદિરને પૂજારીએ પહેલા જર્જરિત બતાવી ચેરિટી કમિશનર પાસેથી ખોટા હુકમો મેળવ્યા હતા. ત્યારબાદ શહેરના ઉદ્યોગપતિ અને પી.પી. સવાણી ગ્રૂપના વલ્લભ સવાણી અને તેના પૌત્ર મિતુલ સવાણીને આ મંદિરની જગ્યાનું વેચાણ કરી દીધું. આ ઉપરાંત 45 કરોડની જગ્યાનું ખોટું વૅલ્યુએશન 9.50 કરોડની કિંમત બતાવી દીધી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ જમીન તેમના વડવાઓએ પુજારીના જીવન-નિર્વાહ માટે આપી હતી.
આ મુદ્દે ઉદ્યોગપતિ મહેશ સવાણી જણાવ્યું કે, આ વિવાદ કેવી રીતે ઉભો થયો તે મને ખબર નથી પરંતુ અમારી સાથે સંકળાયેલા ટ્રસ્ટ દ્વારા કોઇ પણ કામ કરવામાં આવે ત્યારે કેટલાક લોકો વિરોધ કરવા આવી જાય છે. અગાઉ અમે જ્યારે શાળા બનાવી ત્યારે પણ કેટલાક લોકો વિવાદ કરવા દોડી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોને પૈસા નથી મળ્યા એટલે વિરોધ કરે છે તે મને ખબર નથી. જે લોકો વિરોધ કરે છે તે કોઇ ગ્રામજનો નહીં પરતું ત્રણ ચાર લોકો જ છે. એક પણ વ્યક્તિ ટ્રસ્ટના સભ્યો નથી. આ લોકો જ્યારે અમારા ટ્રસ્ટ દ્વારા કોઇ જમીન ખરીદવામાં આવે કે વેચવામાં આવે ત્યારે આ લોકો અવરોધ ઉભો કરવા આવી જાય છે. પીપી સવાણી જ્યારે સ્કૂલ બનાવવામાં આવી ત્યારે આ જ લોકો વિરોધ કરવા આવ્યા હતા. આ લોકોના નામ ટ્રસ્ટી નહતા.
વિરોધ કરી રહેલા લોકો ખોટી રજૂઆત કરે છે. વિરોધ કરી રહેલા લોકો કહે છે કે આ જગ્યા પર મહાદેવનું મંદિર છે, અંબા માતાનું મંદિર છે. પરંતુ અમે જે જમીન ખરીદી છે તેમાં નાની ડેરી પણ નથી. ચેરીટી કમિશ્નર ટ્રસ્ટની જે જગ્યા વેચવાની મંજૂરી આપે તેને કોઇ ટ્રસ્ટ ખરીદી શકે છે. અમે તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કરી ખરીદી છે. અમારા ટ્રસ્ટ દ્વારા કોઇ પણ સત્કાર્ય કરવામાં આવે ત્યારે ચાર જેટલા લોકો હવનમાં હાડકાં નાખવા આવી જાય છે. આ જમીન ગ્રામજનોએ દાનમાં આપી છે કે લોક ફાળો ઉઘરાવીને ખરીદી છે તે અમને ખબર નથી. મહેશ સવાણીએ કહ્યું કે આ લોકો વિરોધ કરે છે પણ તેમનું નામ ટ્રસ્ટમાં ક્યાં નથી. આ લોકો આખું ગામ ભેગું કરો.
ગ્રામજન નિસર્ગ વૈદ્યએ કહ્યું કે આ જગ્યા તેમના વડવાઓ અમરીશ્વર મહાદેવ મંદિર અને અંબા માતાના મંદિર અને પુજારીના જીવન નિર્વાહ માટે આપી હતી. કલમ 36 મુજબ બીરેનકુમાર ગીરજાશંકર વૈદ્યએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે મંદિર જર્જરીત છે, દર્શનાર્થીઓના જીવને જોખમ છે. એમ કહી બ્લોક નં.160 વાળી જમીન વેચવા માટે અરજી કરી મંજૂરી મેળવી હતી. આ જમીન અમારા વડવાઓ જીવણભાઇ જયરામભાઇએ મંદિરને દાનમાં આપી હતી. અમે આ અંગે અનેકવાર તંત્રમાં રજૂઆત કરી છે કે પરંતુ મહેશ સવાણી વગદાર હોય સરકાર સાંભળતું નથી.
નિસર્ગ વૈદ્યએ આરોપ લગાવ્યો કે પુજારીએ મેળાપીણામાં જમીન વેચી છે. આ જમીનની હરાજી કરવામાં આવી હતી ત્યારે માત્ર એક જ છાપામાં આવી હતી. ટ્રસ્ટની જમીન વેચવાની હોય ત્યારે તેની ઓફર અને વાંધાની રજૂઆત ચેરિટી કમિશનરમાં રજૂઆત કરવાની હોય છે. સુરતના સંયુક્ત કમિશનર પંડ્યાભાઇએ એમણે તેમના હુકમમાં જણાવ્યું કે આ જમીન જે ગામમાં આવેલી છે તેની આસપાસના વિસ્તારમાં બહોળો પ્રસિદ્ધિ ધરાવતા અખબારમાં જાહેરાત આપવી. પરંતુ તેની જાહેરાત સંધ્યા દૈનિકમાં આપી છે. તે સંધ્યા દૈનિક અબ્રામા ગામમાં કે તેની આસપમાં ફેલાવો ધરાવતો નથી.
મહેશ સવાણીએ આ ટેન્ડરિંગની પ્રક્રિયાની નોટિસ ધબકારમાં છપાવવા માંગવા માટે ચેરિટી કમિશનરને રજૂઆત કરી હતી કે સંધ્યા દૈનિકમા જાહેર નોટિસનો ખર્ચ ઓછો થાય છે. તેના પર કમિશનરે હુકમ કર્યો અને જાહેર નોટિસ છપાવવા માટે આપી હતી. આ છાપાની માત્ર બે જ નકલ છાપવામાં આવી હતી. તે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
જોકે, આ સમગ્ર વિવાદમાં મહેશ સવાણીએ કહ્યું કે ગ્રામજનોને વિરોધ હોય તો અમને અમારા પૈસા પરત આપી દેવામાં આવે અને અમે જમીન પરત કરી દેવા માટે તૈયાર છે. અમે કોઇ મંદિરની જગ્યા લઇ અને તેને પાડી દેવાનું કામ ક્યારેય ન કરીએ.