Mahesana : રાજ્યમાં પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેને લઈને છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માગ કરતા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. મહેસાણામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જમાવ્યું હતું કે, પંચમહાલનું કણજીપાણી ગામ બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર છે. આ ગામના તલાટીએ એક વર્ષમાં 2 હજાર લગ્ન કરાવી 50 લાખની કમાણી કરી હોવાનો વીડિયો પણ અમારી પાસે છે.
લાલજી પટેલે ચોંકાવનારો કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત તા. 14 નવેમ્બર 2025ના રોજ એક યુગલે લગ્ન કર્યા હતા. આ લગ્નની પ્રોસેસમાં જે રીતે સ્થળ અને સમય દર્શાવવામાં આવ્યો છે તે જોઇને કોઈપણ ચોંકી ઉઠે તેમ છે. લાલજી પટેલના દાવા મુજબ એક યુવતીએ એક જ તારીખે અને માત્ર 3 કલાકના સમયગાળામાં અલગ અલગ 4 જગ્યાએ પોતાની હાજરી બતાવી છે.



