મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારના છેલ્લા 6 દિવસમાં કોંગ્રેસ પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આગામી 6 દિવસમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસના મોટા ચહેરાઓ લગભગ નેવું બેઠકો યોજવાના છે. જેમાંથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી લગભગ 20 સભાઓ કરશે.
ચૂંટણી પ્રચારના 6 દિવસો બાકી
રાહુલ ગાંધી મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર અને ઉત્તર મહારાષ્ટ્રમાં 6 સભા કરશે. પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રમાં બુધવારથી ચાર સભા કરશે. પ્રિયંકા વાયનાડમાં મતદાનના દિવસથી મહારાષ્ટ્રના મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ 10 રેલીઓ માટે રણનીતિ બનાવી છે. કોંગ્રેસનું ખાસ ફોકસ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારો પર રહેશે.
કોંગ્રેસના દિગ્ગજનેતા પ્રચારમાં ઉતરશે
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ઇમરાન પ્રતાપગઢી અને સચિન પાયલટની સૌથી વધુ માંગ છે. ઈમરાનની 20થી વધુ બેઠકો અને પાઈલટ લગભગ 8 સભા કરશે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા પણ પ્રચારમાં જોવા મળશે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે 20 અને વરિષ્ઠ નેતા બાળા સાહેબ થોરાટ 15 સભાઓ કરશે. 17 નવેમ્બરે મુંબઈમાં કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદ પવાર સહિત નેતાઓની સંયુક્ત બેઠક થશે.
કોંગ્રેસની 5 ગેરંટી
કોંગ્રેસે 5 કરોડ લોકોને પાંચ મોટા વચનો સાથે મહા વિકાસ આઘાડીનું ગેરંટી કાર્ડ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે ખેડૂતો માટે રૂ. 3 લાખ સુધીની લોન માફી અને મહિલાઓ માટે રૂ. 3,000 પ્રતિ માસ રૂપિયા આપવાની આકર્ષક વચનો વધારવાની વ્યૂહરચના બનાવી છે.
મહારાષ્ટ્ર નવા સીએમ અંગે અમિત શાહેએ સંકેત આપ્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચીફ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ ભાજપ ચીફ આશિષ શેલાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર હતા. મહાયુતિના મુખ્યમંત્રીપદના ચહેરા પર પત્રકારે સવાલ કર્યો તો ટોણો મારતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે શરદ પવારજીને કોઈ તક નહીં આપીએ.