મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચીફ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ ભાજપ ચીફ આશિષ શેલાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર હતા. મહાયુતિના મુખ્યમંત્રીપદના ચહેરા પર પત્રકારે સવાલ કર્યો તો ટોણો મારતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે શરદ પવારજીને કોઈ તક નહીં આપીએ.
શરદ પવારને કોઈ મોકો આપવા માંગતા નથી
મુખ્યમંત્રી પદના ચહેરા અંગે અમિત શાહે કહ્યું કે હાલમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. ચૂંટણી બાદ ત્રણેય પક્ષો સાથે બેસીને નિર્ણય લેશું. આના પર અમે શરદ પવાર જીને કોઈપણ મોકો આપવા માંગતા નથી.
ઉદ્ધવ ઠાકરે પર અમિત શાહે આકરા પ્રહાર કર્યા
ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું, હું ઉદ્ધવ ઠાકરે જીને પૂછવા માંગુ છું કે શું તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે શબ્દો કહેવા માટે કહી શકે છે? શું તમે ઠાકરેના સન્માનમાં બે વાક્યો કહી શકો છો?” જેઓ વિરોધાભાસ વચ્ચે આઘાડી સરકાર બનાવવાનું સપનું લઈને બહાર આવ્યા છે, તેમના વિશે મહારાષ્ટ્રના લોકો જાણશે તો સારું થશે.
લોકસભામાં વિપક્ષ ગઠબંધન 48 બેઠકોમાંથી 30 બેઠકો જીતી
2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વિપક્ષ મહા વિકાસ આઘાડીએ રાજ્યની 48 બેઠકોમાંથી 30 બેઠકો જીતી હતી. શાસક ગઠબંધનને 17 બેઠકો મળી હતી. એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ હતી. આ પરિણામોને રાજ્યમાં રાજકીય ઉથલપાથલ, શિવસેનામાં વિભાજન, એમવીએ સરકારનું પતન અને સત્તાની લગામ ભાજપ અને શિવસેનાના બળવાખોર શિંદે જૂથના હાથમાં ગયા પછી જનતાના ગુસ્સાના પ્રતિક તરીકે જોવામાં આવે છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થયું અને અજિત પવારની આગેવાની હેઠળનું બળવાખોર જૂથ શાસક ગઠબંધનમાં જોડાયું.