બનાસકાંઠાનો અમીરગઢ તાલુકો કુપોષણ અને ટીબી મામલે ખૂબ જ પછાત છે. અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢમાં ઘણી બધી સગર્ભા મહિલાઓ કુપોષણથી પીડાય છે, તો અહીં ટીબીના પણ સૌથી વધુ દર્દીઓ છે. આવી સ્થિતિમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા સ્વ. શૈલેષભાઈ ભુપતભાઈ વડોદરીયા કુપોષિત અને જોખમી સગર્ભા માતા પોષણ સહાય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે 100થી વધુ સગર્ભા મહિલાઓને ખાસ પોષણક્ષણ આહારની કિટની વિતરણ કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત ધી સેક્રેટરિયેટ પોર્ટલના સીઈઓ શ્રી નીરજ અત્રીજી, ગાંધીનગર બ્યુરો ચીફ ગૌતમભાઈ પુરોહિત, VTV ડિજિટલના એડિટર ભાવિનભાઈ રાવલ સહિત ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના કોષાધ્યક્ષ અનિતાબેન અગ્રવાલ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મીતાબેન સોની ઉપસ્થિત રહ્યા. જેમના હસ્તે લાભાર્થીઓને પોષણક્ષમ આહારની કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી.
સગર્ભા મહિલાઓના આરોગ્યનું ધ્યાન રાખવા માટે પાલનપુરના ખૂબ જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. ટેલર દ્વારા તમામ સગર્ભા મહિલાઓનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. સાથે જ અમીરગઢમાં ટીબીનો મૃત્યુદર ઓછો કરવા માટે પણ ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. જેના ભાગ રૂપે ટીબીના દર્દીઓને પણ પોષણક્ષમ આહારની કિટનું વિતરણ કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે સ્વ. શૈલેષભાઈ ભુપતભાઈ વડોદરીયા કુપોષિત અને જોખમી સગર્ભા માતા પોષણ સહાય અંતર્ગત છેલ્લા 3 વર્ષથી અમીરગઢ તાલુકામાં શ્રી દર્શરથભાઈ ભટ્ટના નેતૃત્વમાં સમાજસેવાનું આ સુંદર કામ કરવામાં આવી રહ્યું છે. જેને લીધે મહિલાઓના મૃત્યુદર અને ટીબીને કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે.