Pahalgam Terror Attack : 23 એપ્રિલ, મંગળવારે જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) ના પહલગામ (Pahalgam)માં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જ્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. જેમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની સુરતમાં અંતિમયાત્રા આજે નીકળી હતી.
આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથીયા (Shailesh Kalthiya)નો પાર્થિવ દેહ બુધવાર રાતે સુરત લાવવામાં આવ્યો હતો અને સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. માહિતી પ્રમાણે કઠોર અબ્રામા સ્મશાનમાં તેમના પાર્થિવ મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
શૈલેષભાઈ કળથીયાની અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા.
ધારાસભ્ય કુમાર કાનાનીએ કહ્યું, “આ ઘટના ઘણી ગંભીર છે. આપણે વાતો કરતા હોઈએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ આ હુમલાએ સ્પષ્ટ કર્યું છે કે કયો ધર્મ આતંકવાદમાં ભારે છે. નામ પૂછીને ધર્મ પૂછીને ગોળીઓ મારી છે. દેશની જનતાને વડાપ્રધાન મોદી પાસેથી જે અપેક્ષા છે, સરકાર એ પ્રમાણે જ આગળ કાર્યવાહી કરશે.”
આતંકવાદીઓએ મુસ્લિમોને કંઇ ન કર્યું અને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોશો રાખીને ફરવા ગયા હતા એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. આપણા દેશની જ આર્મી આવું કહેશે તો બીજું કોણ બોલશે.
– મૃતક શૈલેષ કળથીયાના પત્નીનો વિલાપ