Income Tax Notice | ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં રહેતા એક મજૂરને 115 બાકી ટેકસ મામલે ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. કાદરી મોહલ્લામાં રહેતા અને હોટલમાં નોકરી કરતા પરિવાર ઉપર 115 કરોડનો ટેકસ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી ઘટના સર્જાઈ છે. આ મામલે પરિવારજનોએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર કોડિનાર (Kodinar)ના કાદરી મોહલ્લામાં રહેતા આશિફભાઈ શેખને થોડા દિવસ પહેલા વેરાવળ ઇન્કમ ટેક્ષ ઓફિસ (Veraval Income Tax Office)માંથી નોટિસ મળી હતી. જેમાં રૂ. 1,15,92,09,921 (115 કરોડ, 92 લાખ, 9 હજાર, 921 રૂપિયા) ભરવા જણાવ્યું હતું. જોકે. આશિફભાઇએ પહેલી નોટીસને ધ્યાને નહીં લઇ આ વાતને ભૂલી ગયા હતા. ત્યાર બાદ વેરાવળ ઇન્કમટેક્ષ ઓફિસમાંથી તરફથી બીજી અને ત્રીજી નોટિસ મળતા આશિફભાઈ મુંઝવણમાં મુકાયા હતા.
અભણ આશિફભાઇ ઇન્કમટેક્ષ તરફથી અંગ્રેજીમાં મળેલી નોટિસ વાંચી નહીં શકતા ચિરપરિચિત ની મદદ લઇ નોટિસમાં લખેલી માહિતી સાંભળતા પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. નોટિસ પર પ્રતિક્રિયા આપતા આશિફભાઇએ ન્યૂઝરૂમને જણાવ્યું હતું કે તેઓ દસ હજારના પગારથી શિવ પરોઠા હાઉસમાં નોકરી કરે છે અને ભાડાના મકાનમાં રહે છે. તેમના બેંક એકાઉન્ટમાં 475 રૂપિયા છે અને કોઇ સામાન લે-વેચનું કામ કરતા નથી. આશિફભાઇએ આ અંગે કોડિનાર પોલીસને અરજી આપી છે. જેમાં તેમણે તેમના પાનકાર્ડનો ઉપયોગ કરી બોગસ વ્યવહાર કર્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ અંગે પોલીસ કાર્યવાહી કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે તેવી તેમણે માંગ કરી છે.