રાજકોટ શહેરના Khodaldham નોર્થ ઝોન દ્વારા આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન અચાનક માથાકૂટ સર્જાતા હાહાકાર મચી ગયો હતો. ઘટનામાં Khodaldham ના સ્વયંસેવકો પર હુમલો થયો હતો અને એક શખ્સે છરી ઉગામતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉદ્યોગપતિ રાજુ પરસાણાના ભત્રીજા મૌલિક પરસાણા, અશોક ફળદુ અને હરિભાઈ સોરઠીયાને છરીના ઘા વાગ્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ ત્રણેયની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો – IND VS PAK: ભારતે દુબઈમાં એશિયા કપ 2025 જીત્યો
ચર્ચા મુજબ છરી ઉગામનાર શખ્સ કોઈ અગ્રણી જવેલર્સના ડ્રાઈવર હોવાની માહિતી સામે આવી છે. આયોજકો દ્વારા હુમલાખોરને પાછળના સોફામાં જવાનું કહેતાં ઝઘડો શરૂ થયો હતો અને વાતચીત તૂટી જતાં માથાકૂટ સુધી પહોંચી ગઈ હતી. હુમલાની ઘટના અંગે પાટીદાર અગ્રણી નરેન્દ્ર પટેલે માહિતી આપી છે. રાજકોટ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખોડલધામના આ ગરબામાં સર્જાયેલી અણધારી ઘટનાએ શ્રદ્ધાળુઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.



