Ahmedabad: ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન થયું છે. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.તે નૃત્ય ક્ષેત્રમાં તેમના પ્રદાનને બિરદાવતાં ભારત સરકારે તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. તેમણે 1967માં અમદાવાદમાં ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા, કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જેમાં હજારો કલાકારો તાલીમ લઇ ચૂક્યા છે.
તેમનો જન્મ 17 મે 1930એ થયો હતો. તેમણે સાત વર્ષની ઉંમરે કથકની તાલીમ લેવાની શરૂ કરી હતી. આ પછી તેમણે બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર સ્કૂલના સુંદર પ્રસાદ પાસેથી શિક્ષા મેળવી હતી. તેમનાં માતા લીલાબેન શાસ્ત્રીય ગાયિકા હતાં. તેમનાં માતાએ તેમને રાધેલાલ મિશ્રા હેઠળ તાલીમ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.તેમણે તેમની કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ સાથે કરી હતી. તેઓ રાજ ગોપાલના પશ્ચિમ દેશના પ્રવાસે જનાર નૃત્યુ જૂથમાં જોડાયા હતા. આ પ્રાવાસમાં તેમણે વિદેશી લોકો સમક્ષ પહેલી વાર ભારતીય નૃત્ય પ્રદર્શિત કર્યું અને ત્યાર બાદ તેઓ સ્વપ્રયત્ને નૃત્યાંગના અને નૃત્ય કોરિયોગ્રાફર બન્યા હતા. તેમણે પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું.તેઓ ખાસ કરીને તેમના બહુ-કલાકારો ધરાવતા (સામુહિક) નૃત્ય કોરિયોગ્રાફી માટે જાણીતા છે.
તેમની કેટલીક સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફીઓમાં ધબકાર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ), અને અતાહ કિમ (વ્હેર નાઉ?)નો સમાવેશ થાય છે. તેમણે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981) ફિલ્મમાં ગોપી કૃષ્ણ સાથે કોરિયોગ્રાફ પણ હતી.
તેમને મળેલા પુરસ્કાર અને સન્માન :
– 1987માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી
– 2010માં પદ્મભૂષણ
– 1982માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી પુરસ્કાર
– વર્ષ 2002-03 માટે કાલિદાસ સન્માન
– 2011માં સંગીત નાટક અકાદમી દ્વારા ટાગોર રત્ન
– 2025માં પદ્મવિભૂષણ