Junagadh ની પોદાર સ્કૂલની શિક્ષિકાના પતિએ મહારાષ્ટ્રથી ફોન કરી પોલીસને દોડતી કરી

જૂનાગઢ (Junagadh) શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 4 ડિસેમ્બર બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. કોલ કરનારે દાવો કર્યો હતો કે સ્કૂલની એક મહિલા ટીચર જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને જો બપોરે 2 વાગ્યા સુધીમાં બાળકોને સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે તો તેમને નુકસાન થઈ શકે છે. બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આ કોલ મળતાની સાથે જ જૂનાગઢ પોલીસનું સમગ્ર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને સ્કૂલ તરફ દોડ્યું હતું. ગંભીરતાને પારખીને જૂનાગઢ (Junagadh) તાલુકા પોલીસ અને અન્ય પોલીસ ટીમો ડોગ સ્કવોડ સાથે તાત્કાલિક પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે પહોંચી હતી. સૌથી પહેલા બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં ડરનો માહોલ ઊભો ન થાય તે માટે સાવચેતીપૂર્વક કામગીરી શરૂ કરવામાં આવી. પોલીસે સ્કૂલ સંચાલકોના સહયોગથી બાળકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે રીતે વર્ગખંડોમાંથી બહાર કાઢીને સ્કૂલના ગ્રાઉન્ડમાં સલામત સ્થળે ખસેડ્યા હતા.ત્યારબાદ પોદાર સ્કૂલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસે તમામ રૂમ અને પરિસરને ચકાસ્યો હતો, પરંતુ કોઈ પણ જોખમકારક કે શંકાશીલ વસ્તુ અથવા પદાર્થ પોલીસને હાથ લાગ્યો નહોતો. અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમગ્ર મામલે જૂનાગઢ (Junagadh) ના ગ્રામ્ય ડિવિઝનના DYSP રવિરાજસિંહ પરમાર સાથે વાત કરતા હકીકત સામે આવી હતી. DYSP પરમારે જણાવ્યું કે, કંટ્રોલ રૂમમાં જે અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો હતો, તે વ્યક્તિ મહારાષ્ટ્રનો રહેવાસી છે. કોલ કરનાર વ્યક્તિની પત્ની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. છેલ્લા ઘણા સમયથી આ પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. પારિવારિક ઝઘડાના કારણે રોષે ભરાયેલા પતિએ મહારાષ્ટ્રથી જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં આવો ધમકીભર્યો અને ખોટો કોલ કર્યો હતો.

 

Scroll to Top