Jigisha Patel | સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કુર્મીસેનાનાં પ્રમુખ જિગીષાબેન પટેલે બુધવારે ગોંડલમાં રાજુભાઇ સખીયાની સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ઓફિસે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારો સાથે વાત કરતી વખતે જિગીશા પટેલે જયરાજસિહ જાડેજા (Jayarajsinh Jadeja) તથા અલ્પેશ ઢોલરિયા સામે ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે સ્વ.વિનુભાઈ શિંગાળાના જન્મદિવસને ‘પ્રતિશોધ દિવસ’ તરીકે માનવા જણાવ્યું હતું. દરમિયાન, સ્વ. પોપટભાઈ સોરઠીયા અને વિનુ શિંગાળાની પ્રતિમા મૂકવા માંગ પણ કરાઈ હતી.
ગોંડલમાં કોઇ અવાજ ઉઠાવે તો દબાવી દેવાય છે
ગોંડલ (Gondal)ના લોકો ભયનાં ઓથાર હેઠળ જીવતા હોવાનું કહી જિગીષાબેન પટેલે (Jigisha Patel) કહ્યું કે, વિનુભાઈ શિંગાળા (Vinubhai Singala) એ ગોંડલને ભયમુકત કરવા પ્રયત્ન કર્યા હતા. થોડા સમયમાં જે કાંઈ ઘટનાઓ બની એને લઈને અમને એવું લાગે છે કે ફરી પાછી આ ઝુંબેશ ઉપાડવી જોઈએ. આજે ગોંડલમાં એવી સ્થિતી છે કે કોઇ અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગોંડલ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વ. વિનુભાઈ શીંગાળાની પ્રતિમાની સ્થાપના કરી સામાજિક સંઘર્ષ અને સમાજના બલિદાનના ઇતિહાસ અંગે આવનારી પેઢી જાણી શકે તે માટે નો છે. જિલ્લાનાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે સંકલન કરી સ્થળ અને સમય નક્કી કરશે એ મુજબ આગામી કાર્યક્રમ ટૂંક સમયમાં નક્કી કરાશે. ગોંડલનો એક મોટો પ્રશ્ન એ પણ છે અહીં નાના ખેડૂતોની જમીન હડપી લેવામાં આવે છે. ખેડૂતો પાસે સસ્તા ભાવની જમીનો લઇને બહાર બીજે વધારે ભાવમાં કરોડો રૂપિયામાં વેચી દેવામાં આવે છે.
અઢારેય વરણની લડત છે
આ વાત ખાલી પાટીદારોની નથી, અઢારેય વરણનાં લોકોની વ્યથા છે કે જે પણ અવાજ ઉઠાવે છે એ લોકોનો અવાજ ક્યાંકને ક્યાંક દબાવી દેવામાં આવે છે. જિગીષાબેન પટેલે ચાલુ પ્રેસ કોન્ફ્રન્સમાં એક ફાઇલ પણ મીડિયા સામે બતાવી અને કહ્યું કે, મારી પાસે આરોપીની આખી ફાઇલ છે, આ ચીઠો છે અને લોકોની સામે ઉજાગર કરતી તેની તમામ કુંડળી છે. એમાં કેટલા બધા કેસો છે એ હું તમને ગણતરી કરીને બતાવું, 15થી 16 વર્ષના બાળકનું તેણે હત્યા કરી નાખી હતી. એક સવા રૂપિયાની ટિકિટ પાછળ PSI ચાવડાની હત્યા, જયંતીભાઈ વડોદરિયાની હત્યા કરી, નિલેશભાઈ રૈયાનીની હત્યા, વિનુભાઈ શિંગાળાની હત્યા, પોપટ લાખા સોરઠિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી, વલ્લભભાઈ પટેલ આરોગ્યમંત્રીની હત્યા, તાજેતરમાં જ રાજકુમાર જાટનો નવો કેસ, જૂનાગઢના રાજુભાઇ સોલંકી, જે દલિત સમાજના છોકરા પર વીતી હતી એ પરિવાર ઉપર ગંભીર કલમો લગાવીને કનડગત કરવામાં આવી રહી છે. દેવ સાટોડિયાને તાજેતરમાં માર માર્યો નાનીએવી ઘટનામાં સોરી કહી દીધું છતાં પણ હુમલો કરવામાં આવ્યો આ લોકો શું ચિતરવા માગે છે.
અલ્પેશએ કોને બાપ બનાવી સમાજની દલાલી કરી?
અલ્પેશભાઈ જે કાંઈ હોય તે પોતાની જાતને સમાજના આગેવાન માનતા હોય તો મારું તેને એટલું જ કહેવાનું છે કે સમાજનો દીકરો જ્યારે લાકડિયુ ખાતો હતોને ત્યારે તેમના દીકરાની હારે ઊભું રહેવાનું હતું, તમારા જે બિઝનેસ માટે તેમની પડખામાં બેસો છો, તેમનાં તળિયાં ચાટો છો, તમે તમારા બિઝનેસ માટે કરો છો, તમારી એવી પણ ગણતરી હશે કદાચ કે ગણેશ ગોંડલનું નામ લઈશ તો ગણેશને ટિકિટ નહીં મળે અથવા તો એવી પણ ગણતરી હોય કે ત્રીસ વર્ષ સુધી તેના સિવાય કોઈ ન આવે. એ બધું ભૂલી જજો, એ બધું તમારા કહેવાથી નહીં થાય, તમારી પર પણ બેઠા છે. અમને પણ એ બધું હવે કરતા આવડે છે, અમારે ક્યાં જવું, તમે લોકોને દાબમાં રાખો છોને તો તમને કઈ રીતે નિયંત્રણમાં રાખવા છે કાંઈપણ અમારે કરવાનું છે એ અમે બધું કરીશું. અલ્પેશએ કોને બાપ બનાવી સમાજની દલાલી કરી?
‘જયંતીભાઈની અત્યારે શું હાલત છે, બધાને ખબર છે’
જિગીષાબેન પટેલે કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જયંતિભાઈ ઢોલ આગળ લાવ્યા હતા. પરંતુ, આજે જયંતિભાઈ ઢોલની હાલત કેવી છે તમને બધાને ખબર છે. તેમણે અલ્પેશ ઢોલરિયા (Alpesh Dholaria) પર પણ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, હું અલ્પેશ ઢોલરિયાને પણ કહેવા માગું છું કે તારો ઉપયોગ થશે અને ફેંકાઈ જઈશ, તારે વધારે કાંઈ એમાં લાંબું ટકવાનું નથી. સમજી વિચારીને કોને મદદ કરવી, શું કરવું, શું નહીં, આગળનું ભવિષ્ય શું છે?, તમારા છોકરાઓ આ બધું સહન કરી શકશે કે નહીં?, આ ગુલામી તમે સહન કરી રહ્યા છો, તમારા છોકરાઓ સહન કરી શકશે કે નહીં? બીજું કે આપણી આ છેલ્લી પેઢી એવી છે, જે આની સામે લડી શકશે.
ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઊભો
મારી લડાઈ કોઈપણ સમાજ સાથે નથી કે કોઈપણ બીજા સાથે નથી, મારી લડાઈ અન્યાય સામે અને આરોપીની સામે છે. ઘણા લોકો છે ને પાટીદાર વચ્ચે ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યા છે, ક્ષત્રિય આંદોલન વખતે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા બહેનો-દીકરીઓ વિશે બોલ્યા હતા. ત્યારે મેં મારા સમાજને વિનંતી કરી હતી કે આપણે એવા માણસને સપોર્ટ કરવાનો નથી. ટિપ્પણી કરી ત્યારે હું ક્ષત્રિય બહેનો સાથે ઊભી હતી અને આજે ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઊભો છે. ઘણા જ ક્ષત્રિઓના ફોન આવ્યા છે કે બેન, તમે જે કરી રહ્યાં છો એ સાચું કરી રહ્યા છો.