ઇન્ડિયન પ્રીમિયર લીગની 18 મી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે આ સિઝનની પ્રથમ મેચ કોલકાતા ના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. સિઝનની પ્રથમ મેચમાં Virat Kohli દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 59 રનની અણનમ ઇનિંગના આધારે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જ્યારે આ મેચમાં આરસીબીની ટીમને 175 રનનો ટાર્ગેટ પ્રાપ્ત થયો હતો, જે તેને વિરાટ કોહલી અને ફિલિપ સોલ્ટ ની શાનદાર બેટિંગથી ૧૬.૨ માં ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો.
તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ IPL ના ઇતિહાસમાં ચાર અલગ અલગ ટીમો સામે 1000 કે તેથી વધુ રન બનાવીને પોતાના નામે એક અનોખો રેકોર્ડ કરી લીધો છે. તે આ બાબતમાં પ્રથમ ખેલાડી બની ગયો છે. KKR સામેની મેચમાં વિરાટ કોહલી દ્વારા ૩૯ બોલમાં શાનદાર 59 રનની અણનમ ઇનિંગ રમવામાં આવી હતી. આ ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે. જ્યારે KKR સામે IPL માં પોતાના 1000 રન પૂર્ણ કરતા પહેલા વિરાટ કોહલી દ્વારા દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામે પણ 1000 થી વધુ રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે દિલ્હી કેપિટલ્સ સામે ૧૦૫૭ રન, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૧૦૫૩ રન અને પંજાબ કિંગ્સ સામે ૧૦૩૦ રન બનાવેલા છે.
તેની સાથે જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL ની 18મી સીઝનમાં એક નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરી હતી. જેમાં ફિલિપ સોલ્ટ ને વિરાટ કોહલી સાથે ઇનિંગ ઓપનિંગ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને ખેલાડી એ મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંને ખેલાડીએ પાવર પ્લે માં જ શાનદાર બેટિંગ કરતા વિકેટ ગુમાવ્યા વગર ટીમનો સ્કોર ૮૦ રન સુધી પહોંચાડી દીધો હતો. તેની સાથે આરસીબી નો આ અત્યાર સુધીનો પાવર પ્લે માં બીજો સૌથી મોટો સ્કોર બની ગયો હતો.