બાંગ્લાદેશ સામે ભારતનું કડક વલણ, હિન્દુઓ પર હુમલો સાખી નહીં લેવાઈ

ભારતે  બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો વિરૂદ્ધ વધતા સંકટ અને ટાર્ગેટેડ હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારના મુદ્દાઓ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, ‘ભારતે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર ખતરાઓ અને ટાર્ગેટેડ હુમલાઓના મુદ્દાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂતીથી ઉઠાવ્યા છે.

લઘુમતીઓની સુરક્ષાની જવાબદારી નિભાવવી જોઈએ

તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ મામલે અમારું સ્પષ્ટ વલણ છે કે, વચગાળાની સરકારને તમામ લઘુમતીઓની સુરક્ષાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. અમે કટ્ટરપંથી નિવેદનબાજી, હિંસા અને ઉશ્કેરણીની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાક્રમોને માત્ર મીડિયા દ્વારા ચગાવવામાં આવી રહ્યો છે તેવું સમજીને નકારી ન શકાય. ઈસ્કોન એક વિશ્વ સ્તરીય પ્રતિષ્ઠિત સંગઠન છે, જેનો સમાજ સેવાનો મજબૂત રેકોર્ડ છે. અમે એકવાર ફરી બાંગ્લાદેશને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાનું આહ્વાન કરીએ છીએ.’

એક અઠવાડિયામાં વિદેશ મંત્રાલયનું બીજી વખત નિવેદન

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, જ્યાં સુધી વ્યક્તિઓ વિરૂદ્ધ મામલાઓનો સવાલ છે, અમને જાણવા મળ્યું છે કે, કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે. અમને આશા છે કે આ પ્રક્રિયાઓ મામલે ન્યાયપૂર્વક, નિષ્પક્ષ અને પારદર્શી રીતે ઉકેલાશે, જેનાથી તમામ સંબંધિત લોકોને કાયદાકીય અધિકારોનું પૂર્ણ સન્માન મળે. આ બીજી વખત છે જ્યારે વિદેશ મંત્રાલયે આ અઠવાડિયામાં આવું નિવેદન આપ્યું હોય.

ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ

બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં મંગળવારે સુરક્ષાકર્મીઓ અને ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના અનુયાયીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન એક સહાયક સરકારી વકીલનું મોત થયું હતું. પોલીસે આ હત્યાના આરોપમાં 30 લોકોની અટકાયત કરી છે. ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની સોમવારે ઢાકામાં શાંતિપૂર્ણ વિરોધનું નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Scroll to Top