ન્યુઝીલેન્ડની ટીમ પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી છે. તેણે 23.1 ઓવરમાં 59 રન આપીને 7 વિકેટ લીધી છે. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સારું પ્રદર્શન કર્યું હતું. કોનવેએ 141 બોલનો સામનો કર્યો અને 76 રન બનાવ્યા. રવિન્દ્રએ 65 રનનું યોગદાન આપ્યું હતું. મિશેલ સેન્ટનર 33 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયો હતો.
વોશિંગ્ટન સુંદરે 7 વિકેટ લીધી
પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં પસંદ ન થયેલા વોશિંગ્ટન સુંદરને અચાનક બીજી ટીમમાં બોલાવવામાં આવ્યો હતો અને તેને પ્લેઈંગ-11માં પણ સામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવની જગ્યાએ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને સુંદરે સાત વિકેટ લઈને ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. તેણે 23.1 ઓવરમાં 59 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જેમાંથી તેણે પાંચ ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા હતા. એક એલબીડબલ્યુ અને એક કેચ આઉટ થયો હતો. બાકીની ત્રણ વિકેટ રવિચંદ્રન અશ્વિને લીધી હતી. સુંદરે રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને મિશેલ સેન્ટનરને આઉટ કર્યા છે. આ સાથે જ અશ્વિને કેપ્ટન ટોમ લાથમ, વિલ યંગ અને ડેવોન કોનવેને પેવેલિયન મોકલી દીધા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા
કોનવેએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. જ્યારે રચિન રવિન્દ્રએ 65 રન બનાવ્યા હતા. આ બે સિવાય 35+ રનના આંકડાને કોઈ સ્પર્શી શક્યું નથી. લાથમ 15 રન, વિલ યંગ 18 રન, ડેરીલ મિશેલ 18 રન, ટોમ બ્લંડેલ ત્રણ રન, ગ્લેન ફિલિપ્સ નવ રન, ટિમ સાઉથી પાંચ રન અને એજાઝ પટેલ ચાર રન બનાવીને આઉટ થયા હતા. આ સુંદરનો બેસ્ટ સ્પેલ હતો.
ભારતીય સ્પિનરોએ 10 બેટ્સમેનોને આઉટ કર્યા
આ છઠ્ઠી વખત છે જ્યારે ભારતમાં કોઈ ટેસ્ટના પ્રથમ દિવસે સ્પિનરોએ પ્રથમ દાવમાં વિરોધી ટીમના તમામ 10 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ વર્ષે બીજી વખત આવું બન્યું છે. અગાઉ ધર્મશાળામાં ભારતીય સ્પિનરોએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. હાલમાં ભારતના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે.