જસપ્રીત બુમરાહે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની કમર તોડી નાખી છે. દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ ગુમાવી છે, જેમાંથી 4 વિકેટ બુમરાહે ઝડપી છે. આ વિકેટ સાથે બુમરાહે નવો રેકોર્ડ બનાવ્યો છે. બુમરાહ આવું કરનાર વિશ્વનો માત્ર બીજો બોલર બની ગયો છે.
સ્ટીવ સ્મિથ ગોલ્ડન ડક પર આઉટ
બુમરાહે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. આ પહેલા માત્ર દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને સ્ટીવ સ્મિથને ટેસ્ટમાં ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. આ લીસ્ટમાં બુમરાહનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ સ્ટીવ સ્મિથનો ઘરેલુ ટેસ્ટમાં પ્રથમ ગોલ્ડન ડક છે. બુમરાહે સતત બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. પ્રથમ ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથને આઉટ કરવામાં સફળ રહ્યો હતો.
ભારતીય ટીમ 150 રનમાં આઉટ
ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ પ્રથમ ઇનિંગ્સમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમ પણ બેટિંગમાં અત્યંત નબળી દેખાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ દિવસ પૂરો થતાં સુધીમાં 67 રન પર 7 વિકેટ ગુમાવી દિધી હતી. આ દરમિયાન ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. બુમરાહે ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, નાથન મેકસ્વીની અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને આઉટ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ટીમની ખરાબ શરૂઆત
ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં નાથન મેકસ્વીની 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઉસ્માન ખ્વાજા પણ આઉટ થયો ગયો હતો. ત્યાર બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સ્ટીવ સ્મિથ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જસપ્રિત બુમરાહે આ ત્રણેયને આઉટ કર્યા હતા.