ICC Test Ranking: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ICC ટેસ્ટ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે.આ રેન્કિંગમાં પાકિસ્તાનના બેટ્સમેન સઈદ શકીલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે ટોપ-10 બેટ્સમેનોની રેન્કિંગમાં આવી ગયા છે. શકીલ ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ સ્મિથને પાછળ છોડીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં ઈંગ્લેન્ડના જો રૂટે (Joe Root) નંબર વન યથાવત છે.
બોલરની રેન્કિંગમાં બુમરાહ પ્રથમ નંબરે
બોલરોની રેન્કિંગમાં પાકિસ્તાનના સ્પિનર નોમાન અલી ટોપ-10માં આવી ગયો છે. જ્યારે પાકિસ્તાનના બીજા સ્પીનર સાજિદ ખાન પણ 18 સ્થાનની છલાંગ લગાવીને 23માં સ્થાને પહોંચી ગયો છે.બીજી બાજૂ ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) પ્રથમ નંબરે યથાવત છે. આ પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડા છે.
ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ નંબરે
ICCની ટોપ-10 ઓલરાઉન્ડરોની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતના રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પ્રથમ નંબર પર યથાવત છે.બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો માર્કો જેન્સન અને ત્રીજા નંબર પર બાંગ્લાદેશનો મેહદી હસન છે.ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચી ગયા છે. ફાઇનલ મેચ જૂનમાં લંડનમાં રમાશે.