ICC Rankings: ભારતના આ વિસ્ફોટક બેટરે કોહલીને પાછળ છોડી દીધો, રોહિત શર્મા ટોપ 15માં પણ નથી

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને બાંગ્લાદેશ સામે સદી અને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં 99 રનની ઇનિંગનો ફાયદો મળ્યો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બેટ્સમેનો માટે ટેસ્ટ રેન્કિંગમાં પોતાના સુપરસ્ટાર ભારતીય સાથી ખેલાડી વિરાટ કોહલીને પાછળ છોડી છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. યશસ્વી જયસ્વાલ ટોપ 5માં એકલો ભારતીય છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા ટોપ 15માં પણ નથી.

રોહિત શર્મા ટોપ 15માં પણ નથી

પંતે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 99 રન બનાવ્યાં હતા. જેથી તેને રેન્કિંગમાં ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. બીજી તરફ કોહલી 70 રન બનાવ્યા છતાં એક સ્થાન નીચે સરકી ગયો છે. ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ચોથા નંબરે ભારતનો સૌથી વધુ રેન્કિંગ ધરાવતો બેટ્સમેન બની ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા બે સ્થાન નીચે સરકીને શ્રીલંકાના દિમુથ કરુણારત્ને સાથે સંયુક્ત રીતે 15માં સ્થાન પર છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ બેટિંગ રેન્કિંગમાં ટોપ પર છે.

રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ લાંબી છલાંગ લગાવી

ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ લાંબી છલાંગ લગાવી છે. તેની સાથે મેટ હેનરી બોલિંગ રેન્કિંગમાં ટોપ 10માં પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ ભારતીય ધરતી પર લાંબા સમય પછી ટેસ્ટ ક્રિકેટમાં જીત માટે મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર કાયલ જેમિસનને બે સ્થાન ઉપર 39માં ક્રમે પહોંચી ગયો છે.પાકિસ્તાનના સ્પિનર નૌમાન અલીને ઇંગ્લેન્ડ સામે બે ઇનિંગમાં 11 વિકેટ લેવાનો ફાયદો મળ્યો છે. તેને 17માં સ્થાને પર ફરી બોલિંગ રેન્કિંગમાં પોતાની જગ્યા બનાવી છે. તેના સાથી સ્પિનર સાજિદ ખાનને 22 સ્થાનનો ફાયદો થયો અને તે 50માં ક્રમે પહોંચી ગયો છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલરના રેન્કિંગમાં ટોપ પર યથાવત છે. ત્યાર પછી રવિચંદ્રન અશ્વિનનો નંબર આવે છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પહેલાની જેમ સાતમા નંબરે યથાવત છે.

 

 

Scroll to Top