સાઉથના સુપરસ્ટારMahesh Babuને EDનું તેડું
EDએ સમન્સ પાઠવી 27મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યો
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અને બોલીવુડ અભિનેત્રી નમ્રતા શિરોડકરના પતિ મહેશ બાબુને EDએ સમન્સ પાઠવી 27મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યો છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ (money laundering) કેસમાં મહેશ બાબુની પૂછપરછ કરવામાં આવશે.
હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ ફર્મ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં મહેશ બાબુ (Mahesh Babu)ને આ સમન્સ મોકલવામાં આવ્યો છે. મહેશ બાબુ ગ્રીન મીડોઝના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોકે, હજુ સુધી તેમના વિરૂદ્ધ કોઇ આરોપ નથી. થોડા સમય પહેલા આ બે કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા ઘણા રોકાણકારો સામે દરોડા પાડવામાં આવ્યા હતા.
PMLA હેઠળ તપાસ રિયલ એસ્ટેટ પરિયોજનાઓને સમયસર પૂર્ણ ના કરવાના આરોપ સાથે જોડાયેલી છે. સાંઇ સૂર્યા ડેવલપર્સના માલિક કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા ‘ગ્રીન મેડોઝ’ નામની એક પરિયોજનામાં કથિત ચૂક માટે પોલીસ તપાસનો સામનો કરી રહ્યાં છે.
સોફ્ટવેર એન્જિનિયરની ફરિયાદ પર કાર્યવાહી
સૂત્રો અનુસાર, 32 વર્ષીય એક સોફ્ટવેર એન્જિનિયરે કંચરલા સતીશચંદ્ર ગુપ્તા અને તેમની કંપની, હૈદરાબાદના વેંગલ રાવ નગર સ્થિત એક રિયલ એસ્ટેટ ફર્મ વિરૂદ્ધ સ્થાનિક પોલીસમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. મધુરાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર, નક્કા વિષ્ણુ વર્ધને કેટલાક અન્ય લોકો સાથે મળીને એપ્રિલ 2021માં સાંઇ સૂર્યા ડેવલપર્સના ગ્રીન મેડોઝ વેંચર (શાદનગરમાં 14 એકર જમીન)માં ત્રણ કરોડ રૂપિયા કરતા વધુની રકમનું રોકાણ કર્યું હતું.