Jammu and Kashmir News | જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. શોપિયા, કુલગામ અને પુલવામામાં આતંકવાદીઓના ઘરોને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે. શુક્રવારે પણ બુલડોઝર દ્વારા વધુ બે આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા હતા.
IEDથી બ્લાસ્ટ કરી મકાન ફૂંકી માર્યું
સેનાની કાર્યવાહીમાં જૂન 2023થી સક્રિય લશ્કર-એ-તોયબા કેડર પુલવામાના મુરાનનો રહેવાસી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IED નો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે. આવી જ બીજી એક કાર્યવાહીમાં, બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું.
6 આતંકીના ઘર તોડી પડાયા
પહલગામ હુમલા પછી, છેલ્લા 48 કલાકમાં આદિલ ગોજરી (બિજબેહરા), આસિફ શેખ (ત્રાલ), અહેસાન શેખ (પુલવામા), શાહિદ કુટ્ટે (શોપિયા), ઝાકીર ગની (કુલગામ), હરિસ અહેમદ (પુલવામા) એમ કુલ 6 આતંકવાદી ઘરો તોડી પાડવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે, સુરક્ષા દળોએ કુલગામના ક્વિમોહમાં ઝાકિર ગનીના ઘરને ઉડાવી દીધું, તે 2023 માં લશ્કરમાં જોડાયો હતો. આ સાથે, સુરક્ષા દળોએ બિજબેહરામાં આદિલ થોકરના ઘરને ઉડાવી દીધું. તેમજ ગઈકાલે ત્રાલમાં, સુરક્ષા દળોએ આસિફ શેખના ઘરને ઉડાવી દીધું.
#WATCH | Kulgam, J&K | Visuals of a destroyed house in Matalhama village, allegedly linked to a terrorist. pic.twitter.com/IWjiLsR3s2
— ANI (@ANI) April 26, 2025
પહલગામ હુમલામાં 28 લોકોના મોત થયા
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ચાર આતંકવાદીઓના એક જૂથે, ગોળીઓ, AK-47 રાઇફલ્સથી સજ્જ અને બોડી કેમેરા પહેરેલા, હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા અને ભારતના વિવિધ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં મેડિકલ ઇમરજન્સી લાગુ
જમ્મુ-કાશ્મીરમાં મેડિકલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. ડોક્ટરો અને સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે જે 24/7 પરિસ્થિતિ પર નજર રાખશે.