holi festival: હોળી-ધુળેટીના તહેવાર પછી સામાન્ય રીતે ઠંડી સંપૂર્ણપણે વિદાય લઇ લે છે અને ગ્રીષ્મનું વિધિવત્ રીતે આગમન થઈ જાય છે. આપણા ઋષિમુનિઓએ તેમના જ્ઞાન અને અનુભવ દ્વારા ઋતુ-પરિવર્તનથી થનાર ખરાબ પ્રભાવને જાણી તેના ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનાથી આપણા શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે.
શરીરને અનેક રોગોથી બચાવી શકાય
આયુર્વેદ મુજબ બે ઋતુના સંક્રમણ કાળમાં માનવશરીર રોગ અને બીમારીઓથી ગ્રસિત થઈ જાય છે. આયુર્વેદ અનુસાર શિશિર ઋતુમાં ઠંડીના પ્રભાવથી શરીરમાં કફની અધિકતા રહેલી હોય છે અને વસંત ઋતુમાં તાપમાન વધવાથી કફ શરીરની બહાર નીકળવાની ક્રિયામાં કફદોષ થાય છે, જેને કારણે શરદી, ખાંસી, શ્વાસની બીમારીઓ સાથે ગંભીર રોગ થતા હોય છે. આવા રોગ બાળકોમાં વધારે જોવા મળી જાય છે. આ ઉપરાંત ઋતુના માધ્યમથી તાપમાન તનની સાથે મનને પણ પ્રભાવિત કરે છે. મનમાં આળસ પણ ઊભી થતી હોય છે.
મન ઉમંગથી ભરાઈ જાય છે
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હોળિકા ઉત્સવમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. અગ્નિ પરિક્રમા, નાચવું, ગાવું, રમવું વગેરે અનેક રંગો તેમાં ઉમેરવામાં આવે છે. અગ્નિનો તાપ વાતાવરણમાંના જીવાણુઓને નષ્ટ કરી નાખે છે અને શરીરમાં એક નવી ઊર્જા ઉત્પન્ન કરાવે છે. સ્વસ્થ શરીર હોવાને કારણે મનના ભાવ પણ બદલાય છે. મન ઉમંગથી ભરાઈ જાય છે અને નવી કામનાનો ઉદભવ થાય છે.
આ છે પૌરાણિક કથા
પૌરાણિક કથાઓ અનુસાર વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ, રાધા અને અન્ય ગોપીઓ સાથે હોળી રમતા હતા. પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી 42 કિલોમીટર દૂર રાધાજીના જન્મસ્થળ બરસાનામાં આવી હોળી રમતા હતા અને ત્યારથી આ પ્રથા ચાલતી આવી છે .તે વખતે રંગોથી હોળી રમવામાં આવતી હતી અને હવે મહિલાઓ પુરુષો પર લાકડીઓથી મારે છે.