વડોદરા: વડદોરામાં શહેરમાં બેફામ દોડતા વાહને વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. આજે સવારે વાઘોડિયા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતાં ટેમ્પો ચાલકે ટુ વ્હિલર પર જતી કોલેજ જતી વિદ્યાર્થીને અડફેટે લેતા મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર શહેરમાં વાઘોડિયા ચાર રસ્તા પાસે ગોઝારા અકસ્માતમાં આશાસ્પદ યુવતીનું મોત નિપજ્યું છે. આજે સવારે વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતાં ટેમ્પો ચાલકે ટુ વ્હીલર પર જતી મૈત્રી શાહ નામની વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. ટેમ્પોની ટક્કરના પગલે પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બનાવ અંગે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને જાણ થતાં પણ ત્યાં પહોંચ્યા હતા. દીકરીના સ્વજનોના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો. શહેરમાં વધતા અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલમાં અકસ્માતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના નશામાં પાંચ વાહનને અડફેટે લીધા
સાતમી એપ્રિલ, સોમવારની સાંજે વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયાર નગર ચાર રસ્તાથી એસ્સાર પેટ્રોલ પંપ તરફ જતા રોડ પર પુરપાટ ઝડપે તબીબની કાર લઈને નીકળેલા નર્મદા જિલ્લાના તિલકવાડાના રહેવાસી મિતેશ બારીયા નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને એકસાથે 5 થી વધુ વાહનોને અને એક મહિલાને અડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં વાહનચાલકોને સામાન્ય ઇજાઓ પહોચી હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે દોડી આવેલ સ્થાનિકોએ કાર ચાલક મિતેશ ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં હોય તેને ખેંચીને કાર માંથી બહાર કાઢ્યો હતો અને વારસિયા પોલીસને સોંપ્યો હતો. મિતેશની કાર માંથી દારૂની બોટલ પણ મળી આવી હતી