Ahmedabad: અમદાવાદમાં ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ના હસ્તે પ્રારંભ થયો હતો. આ મેળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા,હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપતા આ ભવ્ય મેળાનું આયોજન સેવા દેખાવ નહીં, પરંતુ સ્વભાવ બને તેવા આશય સાથે અમદાવાદ ખાતે 23થી 26 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
અમિત શાહે મેળામાં શું કહ્યું
આ ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મુકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાનું કામ આ મેળાથી થયું છે.હિન્દુ ધર્મના સંસ્કારો, પરંપરા અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનનું કામ રાષ્ટ્રીય સંઘ અને અન્ય સંસ્થાઓએ મળીને ઉત્તમ કામ કર્યું છે.અત્યાચાર અને વિધ્વંશના ઘોર અંધકારમાં અહલ્યાબાઇ હોલકર સર્જન અને સંરક્ષણના પ્રકાશકુંજ સમાન હતા. 200 થી વધુ ધ્વસ્ત મંદિરોના પુનઃ નિર્માણ કરવાનું મહાન કાર્ય તેમણે કર્યું હતું. શૈવ, વૈષ્ણવ અને શાક્ત ધર્મસ્થાનોની પુન:સ્થાપનાનું કાર્ય અહલ્યાબાઈએ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું મહાકુંભ મેળો સમરસતા અને એકતાનો સંદેશ આપે છે.નાત, જાત, સમુદાયના બાધ વિના સૌના ભોજન અને આરામની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન સૌના સાથ અને સહકારથી પાર પડી રહ્યું છે. પ્રયાગરાજ મહાકુંભમાં સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા રામસેતુમાં ખિસકોલીની મદદ સમાન છે. ભારતમાં મુઘલ, અંગ્રેજોના શાસન અને વિપરીત રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે પણ કુંભ મેળાની પરંપરા હજારો વર્ષોથી જીવંત છે.
વસુધૈવ કુટુંબકમ – સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવમાં માનનારી આ સંસ્કૃતિ: ભૂપેન્દ્ર પટેલ
આ કુંભમેળામાં ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ, ધર્મ પરાયણતા અને સેવા સૌહાર્દના પાયા પર વિકસી છે. વસુધૈવ કુટુંબકમ – સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવમાં માનનારી આ સંસ્કૃતિ છે. આપણા વેદ પુરાણ, ધર્મગ્રંથો – ઇતિહાસ બધામાં આ પવિત્ર ભાવ સમાહિત છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓ કાળક્રમે વિલિન થઈ પણ આપણી સંસ્કૃતિ અખંડ રહીને ટકી રહી છે. એટલું જ નહીં એનું પુનઃ જાગરણ, જતન અને સંવર્ધન પણ થતું રહ્યું છે. વન તથા વન્યજીવ સંરક્ષણ, જીવ સૃષ્ટિ સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માન અને નારી સંરક્ષણ, રાષ્ટ્ર ભક્તિ જાગરણ, આવા છ મૂળભૂત સિદ્ધાંતો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનું કામ પણ આ હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર દ્વારા થઈ રહ્યું છે.
ભારતની પુણ્યભૂમિ દેવતાઓની સંતોની અને સંન્યાસીઓની ભૂમિ – ભૈયાજી જોશી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, ભારતની પુણ્યભૂમિ દેવતાઓની સંતોની અને સંન્યાસીઓની ભૂમિ છે, ત્યાગ અને સમર્પણનો સંદેશો આપવા વાળી આ ભૂમિ વિશ્વને પ્રેરણા આપી રહી છે.વસુધૈવ કુટુમ્બકમની ભાવના જ ભારતની ઓળખ છે. હિન્દુ સમાજ સંહારક નહીં પરંતુ સંરક્ષક છે. હિન્દુ સમાજના આધ્યાત્મિક સેવા મેળામાં હિન્દુ મૂલ્યના દર્શન થઈ રહ્યા છે.તેમણે અમદાવાદમાં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાને ત્રીજો મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો.