Weather News : આકરી ગરમી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, આ જિલ્લામાં ‘લૂ’ને લઈ ‘રેડ એલર્ટ’!

heatwave in gujarat red alert in kutch orange alert in north south

એપ્રિલના આરંભ સાથે જ ઉનાળો આકરા પાણીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સવારથી જ શરીરને દઝાડતી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબમાં હીટવેવની ચેતવણી આપી છે.

અમદાવાદ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આઠમી તારીખે કચ્છ જિલ્લાના ઘણા ભાગોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, દક્ષિણ ગુજરાત, ભાવનગર અને બોટાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર અને કચ્છમાં રાત્રે ગરમ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

બીજી બાજુ હવામાન વિભાગે પૂર્વોત્તરના રાજ્યોમાં 10 એપ્રિલ સુધી વરસાદ, આંધી-તોફાનની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વરસાદ લાવતી સિસ્ટમ, લો પ્રેશરની અસર છે. જેના પગલે 13મી સુધીમાં છૂટાછવાયા સ્થળોએ એકમાત્ર ગુજરાત-સૌરાષ્ટ્રને બાદ કરતાં તમામ રાજ્યોમાં માવઠાની આગાહી છે. ગુજરાતમાં માવઠું નહીં પરંતુ કાળઝાળ ગરમીની વણઝાર થવાની આગાહી છે.

છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર જવા લાગ્યું છે. જેના કારણે બપોરે જાણે અગન ગોળા વરસતા હોય તેમ તડકામાં ચામડી બળવાનો શહેરીજનો અનુભવ કરી રહ્યા છે. આ ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા માટે નિષ્ણાતો દ્વારા વધુમાં વધુ પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી રહી છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડની પાણીની પરબમાં મુસાફરોનો ધસારો વધતા વધારાના ઠંડા પાણીના જગ મૂકવાની ફરજ પડી છે.

રાજકોટમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ
ભીષણ ગરમી વચ્ચે રાજકોટમાં પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આકરા તાપના કારણે સરકારી સ્કૂલોનો સમય પણ સવારનો કરાયો છે. જાહેર સ્થળોએ ORS-છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દવાનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.

હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું?
લૂ અને હીટ સ્ટ્રોકથી બચવા પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારિયેળનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું. નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું. ભર બપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો. ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં. ઉપવાસ કરવાનું ટાળવું. ઘર, ઓફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કૂલર તેમજ ACનો ઉપયોગ કરવો.

Scroll to Top