Gujrat News: આગામી 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઇ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે, જે તેમના નિવાસસ્થાનના વ્યૂહાત્મક સંચાલન અને સામુદાયિક ભાગીદારી થકી સિંહોના લાંબાગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે.
સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ સ્વાતંત્ર્ય દિનના અવસર પર પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં વડાપ્રધાનશ્રીએ એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ લાયન એ સમુદાયની ભાગીદારી, ટેક્નોલોજી પર ભાર, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય નિવાસસ્થાન વ્યવસ્થાપન અને માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવાના પગલાંઓ દ્વારા સંચાલિત છે.ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણ સંબંધિત પગલાંઓને આગળ વધારી રહ્યું છે. ગુજરાતના વન્યજીવ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટેના લાંબાગાળાના વિઝન સાથે સુસંગત હોય.
શું છે પ્રોજેક્ટ લાયન
ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તા. 2 નવેમ્બર, 2022ના પત્રથી કુલ ₹2927.71 કરોડના બજેટ સાથે 10 વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાઇ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે, જેમની કુલ વસ્તી, વર્ષ 2020ના વસ્તી ગણતરી અંદાજ મુજબ 674ની છે. હાલમાં, રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે.