રાજ્યની અંદર માર્ચ મહિનાની શરૂઆતથી જ જાણે આકાશમાંથી અગ્નિગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે. બીજી બાજુ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આવતીકાલથી ગુજરાતની અંદર ગરમીનો પ્રકોપ વધશે. માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી લઈને એપ્રિલ મહિના સુધી સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીની પાર પહોંચશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત સાથે હવામાન વિભાગ દ્વારા પણ 25 માર્ચ બાદ ગુજરાતના મહત્તમ જિલ્લાઓની અંદર ગરમીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતાઓ જણાવવા મળી રહે છે. સાથે જ આગામી 15 દિવસ સુધી ગરમીમાંથી કોઈ પણ પ્રકારની રાહત મળી શકે તેમ નથી. 26 માર્ચ બાદ રાત્રિના તાપમાનમાં અંદાજિત બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 1 એપ્રિલના રોજ પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. જેના કારણે 1 એપ્રિલ સુધી ક્યાંક વરસાદી વાતાવરણ તેમજ વાદળછાય વાતાવરણ પણ જોવા મળી શકે છે.
એક બાજુ સમગ્ર રાજ્યની અંદર ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ એપ્રિલ મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદી છાંટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે મે માસની અંદર અરબી સમુદ્રમાં ચક્રવાતનું સર્જન થશે જે 70 થી 100 કિલોમીટરની ઝડપે ભારે પવન વાવાઝોડા સાથે પણ વરસાદ પડી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારે પણ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાતને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે જેને લઇને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી શકે છે.