Visavadar : ગુજરાતમાં વિસાવદર (Visavadar) બેઠક અસ્તિત્વમાં આવતાની સાથે જ અહીંયા કોઈ પક્ષ કે કોઈ પક્ષનું એક તરફી વલણ અત્યાર સુધી જોવા મળ્યું નથી. વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક આમતો વિસાવદર (Visavadar) -ભેસાણ ના નામથી ઓળખાય છે. આ બેઠક પર લગભગ 70% જેટલું મતદાન માત્ર લેઉઆ પટેલ સમાજનું છે ક્યાંક એટલા માટે જ અહિયાંથી ચૂંટાઈને આવતા ખેડૂત નેતાઓ અને ધારાસભ્યએ પટેલ સમાજમાંથી આવે છે. વિસાવદર (Visavadar) બેઠકની ચર્ચા એટલા માટે થઇ રહી છે કેમકે વર્ષ 2025માં આ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવવા જઈ રહી છે.
વિસાવદરનો રાજકીય ઇતિહાસ
વર્ષ | પક્ષ | જીતેલા ઉમેદવાર |
1962 | કોંગ્રેસ | મદીનાબેન નાગોરી |
1967 | SWA | કે ડી ભેસાણીયા |
1972 | કોંગ્રેસ | રામજીભાઇ કરકર |
1975 | KLP | કુરજીભાઇ ભેસાણીયા |
1980 | JNP | ધીરજલાલ રિબડીયા |
1985 | કોંગ્રેસ | પોપટભાઇ રામાણી |
1990 | JD | કુરજીભાઇ ભેસાણીયા |
1995 | ભાજપ | કેશુભાઇ પટેલ |
1998 | ભાજપ | કેશુભાઇ પટેલ |
2002 | ભાજપ | કનુભાઇ ભાલાળા |
2007 | ભાજપ | કનુભાઇ ભાલાળા |
2012 | GPP | કેશુભાઇ પટેલ |
2017 | કોંગ્રેસ | હર્ષદભાઇ રિબડીયા |
2022 | aap | ભૂપત ભાયાણી |
વિસાવદર બેઠક પર પક્ષોનો રાજકીય ઇતિહાસ
વિસાવદર (Visavadar) ભેસાણ વિધાનસભામાં અત્યાર સુધીના રાજકીય પક્ષોના ઈતિહાસ પ્રમાણે અહિયાંથી કોંગ્રેસ સૌપ્રથમ વખત બેઠક જીતી હતી. વર્ષ 1962 થી અત્યાર સુધીમાં વિસાવદર (Visavadar) વિધાનસભા કોંગ્રેસ 4 વખત જીતી ચુક્યું છે. જોકે આ બેઠક પર કોંગ્રેસનું જેટલું મહત્વ છે કે સૌથી પહેલી વખત આ બેઠક કબજે કરી હતી. તે જ રીતે ભાજપ માટે પણ આ બેઠક ખુબ મહત્વની એટલા માટે છે કે વર્ષ 1995માં અહિયાંથી કેશુભાઈ પટેલ જીત્યા અને તેઓ ગુજરાત ભાજપના પ્રથમ મુખ્યમંત્રી અને ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી. જોકે વિસાવદર (Visavadar) -ભેસાણ વિધાનસભા ભાજપ પણ 4 વખત જીતી ચૂક્યું છે.
વિસાવદર વિધાનસભા બેઠક ભાજપને કેમ જીતવી છે
ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર બની અને વિસાવદર (Visavadar) થી જીત મેળવીને મુખ્યમંત્રી કેશુ બાપા પહોંચ્યા હતા. સાથે ગુજરાતમાં ભાજપનું 30 વર્ષથી શાસન છે પરંતુ વર્ષ છેલ્લા 13 વર્ષથી વિસાવદર (Visavadar) માં ભાજપનું કમળ ખીલ્યું નથી. જે વિધાનસભા બેઠક સતત 17 વર્ષ સુધી ભાજપ પાસે રહી અને અચાનક એ બેઠક જેમને ગુજરાતમાં પહેલી વખત ભાજપ સરકાર બની અને જેના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બન્યા હતા તેમને જ વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી અને છીનવી લીધી હતી. જોકે વર્ષ 2012થી વર્ષ 2025 સુધી અહીંયા ભાજપના ઉમેદવાર જીત્યા તો નથી પણ જીતેલા તમામ ઉમેદવાર ભાજપમાં ભળી ગયા છે.
વર્ષ 2012થી 2025 સુધી જીતેલા કયા ઉમેદવાર ભાજપમાં જોડાયા
વિસાવદર(Visavadar) -ભેસાણ વિધાનસભામાં વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામની રાજકીય પાર્ટી લઈને આવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાતમાં 2012માં માત્ર એક બેઠક પર જીત મેળવી પરંતુ અંતે તેમની રાજકીય પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થયું. ત્યારબાદ વર્ષ 2017માં ખેડૂત નેતા અને કોંગ્રેસમાં આવેલા અને ઉભરાતો ચહેરો હર્ષદ રીબડીયા જેઓ ત્યાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા અને 2022ની ચૂંટણી પહેલા પહેલા ભાજમાં જોડાયા. વર્ષ 2022માં aap માંથી ભુપત ભાયાણી હર્ષદ રિબડીયાને હરાવીને ધારાસભ્ય બન્યા પણ અંતે ભુપત ભાયાણીએ પણ aap નું ઝાડુ છોડી અને ભાજપનું કમળ પકડ્યું.