Gujrat Vidhansabha: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા વતી રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જવાબ આપ્યો હતો.મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે.રાજ્ય સરકારે મહિલા સશક્તીકરણને હરહંમેશ કેન્દ્રબિંદુ રાખ્યું છે. મહિલા માટે થતાં છૂટા-છવાયા કામોની જગ્યાએ અલાયદા મહિલા કલ્યાણ વિભાગની સ્થાપના કરીને મહિલા કલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરી હતી.
7 વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બનશે
સમાજમાં નારીને ગૌરવપૂર્ણ સ્થાન મળી રહે તે માટે અનેકવિધ મહિલાલક્ષી પહેલ કરી છે. જેના પરિણામે આજે દરેક ક્ષેત્રે ગુજરાતની મહિલાઓનું રાજ્યના અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન ઉત્તરોતર વધી રહ્યું છે.મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની મહિલાઓએ સંભાળી હતી. આ ઉપરાંત મા દુર્ગાના વાહન એવા ગીરના સિંહોની સુરક્ષામાં પણ મહિલા વનકર્મીઓ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.ગુજરાતમાં દીકરીનો જન્મ થાય ત્યારબાદ તેની બાલ્યાવસ્થાથી લઈને તેની વૃદ્ધાવસ્થા સુધીની જીવનની દરેક અવસ્થા માટે ચિંતા કરીને રાજ્ય સરકારે નારીશક્તિના હિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં તેમના સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સધ્ધરતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
મહિલાઓને 14 કરોડની સહાય
આજે ગુજરાતની મહિલાઓ પુરુષ સમાવડી થઇને પોતાના ગામ-શહેરથી દૂર જઇને અન્ય શહેરોમાં કામગીરી કરી રહી છે. વર્કિંગ મહિલાઓ માટે રાજ્ય સરકારે અમદાવાદમાં 1 વડોદરામાં 2,સુરતમાં 2,ગાંધીનગરમાં ૧ અને રાજકોટમાં ૧ મળી કુલ ૭ વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું છે. જ્યાં વર્કિંગ મહિલાઓને નજીવા ખર્ચે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ સાથે ભોજનાલય ઉપરાંતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.રાજ્ય સરકાર સમાજના તમામ જરૂરિયાતમંદ વર્ગોના સમાવેશી વિકાસ માટે સમર્પિત છે. રાજ્યની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાતની ૧૬.૪૯ લાખથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧,૨૫૦ની સહાય, એટલે કે, વાર્ષિક રૂ. ૧૪ કરોડથી વધુની સહાય આ ગંગા સ્વરૂપા બહેનોના બેંક ખાતામાં જમા થઈ રહી છે.
સિંહોની સુરક્ષામાં મહિલા વનકર્મીઓનો ફાળો મહત્વપૂર્ણ
દીકરીઓ શિક્ષિત થાય અને તેમનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને તેમણે પોતે દીકરીઓને આંગળી પકડીને શાળાએ જતી કરી હતી. આજે એ જ દીકરીઓ મેડીકલ અને એન્જિનિયરિંગ સહિતનાં વિવિધ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૬૮.૦૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.