Gujarat Politics ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઇ ભાજપ વિમાણસમાં મુકાઈ
ભાજપ પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં મોડું કેમ કરી રહ્યો છે?
Gujarat Politics | ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ભાગ્યે જ થતી ચર્ચા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ‘ત્વરિત નિર્ણયો’ લેવા માટે જાણીતી ભાજપની નેતાગીરી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ અવઢવમાં છે.
ગુજરાત ભાજપ (Gujarat BJP) ના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેની ચર્ચાઓ તેજ બની છે. કમલમ (Kamlam) માં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે, પાટીલ પછી કોનો વારો આવશે. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે. ત્યારે હવે વિવિધ નામો માર્કેટમાં ફરતા થયા છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે. ચર્ચા છે કે, પ્રદેશ અધ્યક્ષ માટે ઓબીસી નેતા હોય તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે. રાજકીય જાણકારો અનુસાર ભાજપની નેતાગીરી અવઢવમાં છે તેની પાછળ ક્ષત્રિય, પટેલ કે ઓબીસીમાંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા એ અંગેની ‘વિમાસણ’ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
હાલ જે નામો ચર્ચામાં છે તેના પર એક નજર કરીએ તો, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ સ્પર્ધામાં મોખરે છે. બંનેના નામની ચર્ચા ચાલી રહી છે. હવે બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પણ પસંદગીમાં પ્રાધાન્ય મળશે. મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નિકટતા ધરાવે છે.
ભાજપ પ્રમુખ બનવામાં ક્ષત્રિયોનું વર્ચસ્વ
ગુજરાતમાં રાજકીય ઈતિહાસ રહ્યો છે કે, ભાજપનુ સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને જ સોપાયું છે. જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો, ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ શિક્ષણમંત્રી કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે. જોકે, કોની પસંદગી થશે તે તો સમય આવ્યે ખબર પડશે.
ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેવી ચર્ચા
ગુજરાતમાં પણ ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેમ છે. જોકે, એવી ચર્ચા છેકે, અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ અપાવવા સક્રિય થયાં છે. તો બીજી બાજુ, કેન્દ્રીય મંત્રીપદ મેળવ્યાં પછી ય સી.આર.પાટીલ (C R Patil) ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યાં છે કેમ કે, હવે પછી જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટીલના માનીતાઓને જ નહીં, આખી દક્ષિણ ગુજરાત લોબીને સાઇડલાઇન કરે તેવી સંભાવના પ્રવર્તી રહી છે.
આનંદીબેન પટેલના ગુજરાતના આંટાફેરા વધ્યા
પાટીલે પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં ઉંડો રસ દાખવ્યો છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. સાથે સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની પણ મુલાકાત કરી છે. જે સૂચક મનાઇ રહ્યુ છે. આ ત્રણેય જૂથો ગુજરાત સંગઠન પર કબેજો મેળવી એક બીજાનું પત્તુ કાપવાના મૂડમાં છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 પ્રદેશ પ્રમુખ ભાજપને મળ્યા
મોદી સરકારે ત્રીજીવાર પોતાનો કાર્યકાળ શરૂ કર્યો તેની સાથે સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પણ પૂર્ણ થયો હતો. ગુજરાતને અત્યાર સુધી પ્રદેશ ભાજપને 10 પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે. હવે 11માં પ્રદેશ પ્રમુખ મળશે તે પ્રકારના એંધાણ વર્તાય રહ્યા છે. જુલાઈ 2020માં કોરોનાના કપરા સમય દરમિયાન પાટીલને પ્રદેશાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.