Gujrat News: ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજથી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવાંકે, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ઉત્તરપૂર્વના રાજ્યો જેવાકે મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવા દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ 3 દિવસીય મોટરસાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
ગુજરાતમાં વિશ્વ સ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
BOBMC રાઇડર મેનિયા એ ભારતની ખૂબ જ પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ છે. જે છેલ્લા 22 વર્ષોથી આયોજિત થાય છે. બાઇક રાઇડર્સના પ્રતિષ્ઠિત ક્લબ દ્વારા આ ઇવેન્ટ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષનું આયોજન બુલેટ બટાલિયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રોયલ એનફિલ્ડ બાઇકપ્રેમીઓનું એક પ્રમુખ ક્લબ છે. ઉલ્લેખનીય છે કે BOBMCએ બાઇકર કોમ્યુનિટી છે અને રાઇડર મેનિયા તેમની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. ગુજરાતમાં આ ઇવેન્ટ પ્રથમ વખત આયોજિત કરવામાં આવી છે.
2025માં યોજાઈ વિવિધ પ્રવૃત્તિઓ
3 દિવસીય આ ઇવેન્ટ દરમિયાન શોર્ટ ટ્રેક રેસિંગ, સ્લો બાઇક સ્પર્ધા અને વિન્ટેજ મોટરસાયકલ શૉ જેવી વિવિધ મોટરસાયકલિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ મ્યુઝિક શૉ, સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ, દોરડાખેંચ અને આર્મ રેસલિંગ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. મોટરસાયકલ ચલાવવાના શોખીનો માટે આ સમગ્ર ઇવેન્ટ ખૂબ જ રસપ્રદ રહી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા ગરબા તેમજ તલવાર રાસની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.