Gujrat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ બેક ટુ બેઝિકના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendr patel) કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ૩ અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું.
લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે
રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમના સમયસર અને સુચારું આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ વિરાસત ભી વિકાસ ભીના મંત્ર સાથે દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કર્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા બરછટ ધાન્યો આપણો વારસો છે. વડાપ્રધાનએ ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા આ સ્વાસ્થ્યપ્રદ ધાન્યના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું.
સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો
અન્નની લોકપ્રિયતા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન બન્યું છે અને હવે તો લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે. આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ આઇટમ્સ સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. દેશમાં આ ક્ષેત્રે ૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ કાર્યરત થયા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ
રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, સ્થાનિક ધારાસભ્યઓ, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અ.મ્યુ.કો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, કૃષિ, આત્મા અને બાગાયત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.