Gujarat News: ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને વર્ષ-2025ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બાળ અધિકારો (Child Rights Commission) ની સુરક્ષા અને પ્રોત્સાહન માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી, તેમ રાજ્ય બાળ અધિકાર આયોગ (Child Rights Commission) ની યાદીમાં જણાવાયું છે.ગુજરાતના તમામ જિલ્લામાં બાળ અધિકારોની જોગવાઇઓનાં શ્રેષ્ઠ અમલીકરણ માટે વિવિધ શહેરો અને ગામડાઓમાં શાળા શિક્ષકો, સામાજિક કાર્યકરો અને સરકારી અધિકારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો ઉપરાંત મોનીટરીંગ પ્રવાસ યોજવા અંગે આયોગની આ પ્રથમ બેઠકમાં નિર્ણય કરાયો છે.
ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને વર્ષ-2025ની પ્રથમ બેઠક યોજાઈ
આ ઉપરાંત વર્ષ દરમિયાન તાલીમ કાર્યક્રમો દ્વારા બાળ અધિકારો (Child Rights Commission) અને બાળકના હિતલક્ષી નીતિઓને અમલમાં મૂકવા માટે આવશ્યક માર્ગદર્શન અપાશે. સાથે જ, વાલીઓ માટે પણ વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરાશે, જેમાં તેઓને બાળકોની સંવેદનશીલ જરૂરિયાતો, શિક્ષણ અને આરોગ્ય સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી અપાશે.બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના, કાર્યો, સત્તાઓ વગેરે બાબતે જાણકારી આપી રાઇટ ટુ એજયુકેશન, પોકસો, જુવેનાઇલ જસ્ટીસ એકટ જેવા બાળ અધિકારના વિવિધ કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી. બાળકોના હક અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોની પણ આ બેઠકમાં ચર્ચા થઈ છે. ખાસ કરીને, બાળ મજૂરી, બાળ દુર્વ્યવહાર, શૈક્ષણિક અધિકારો અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
અનેક મહાનુભવો હાજર રહ્યા
ગુજરાત રાજ્ય બાળ અધિકાર (Child Rights Commission) સુરક્ષા પંચના અધ્યક્ષ, સચિવ તેમજ આયોગના સભ્યઓએ આ બેઠકમાં બાળ અધિકાર સુરક્ષા માટે સંયુક્ત પ્રયત્નોની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. સાથે જ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.વર્ષ દરમિયાન ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગ કામગીરી અને યોજનાઓ દ્વારા બાળકોને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય પૂરું પાડવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરશે, તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.