Gujarat News: સહકારી માળખાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાની દિશામાં સહકાર વિભાગ કાર્યરત છે ત્યારે, ગાંધીનગર (gandhinagar) ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma) ની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં મંડળીના અને મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ
સહકારી મંડળીઓમાં કર્મચારીઓની ભરતી બાબતે નિયમો બનાવવાની વાતને કાઉન્સિલના સભ્યોએ સમર્થન આપ્યું હતું. જે બાબતે મંત્રી વિશ્વકર્મા (Jagadish Vishwakarma) એ જણાવ્યુ હતું કે, આગામી સમયમાં મંડળીઓની ભરતીને લઈને નિયમો બનાવી તેની અમલવારી કરવામાં આવશે. આ બેઠકમાં સહકારી મંડળીઓના સભાસદોને આપવામાં આવતી ભેટની રકમ મર્યાદા વધારવા બાબતે તથા સહકારી સંસ્થાઓમાં વાહન ખરીદી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.
આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી
વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે વર્ષ દરમિયાન સહકારી મંડળીઓએ સહકાર વિષયને કેન્દ્ર સ્થાને રાખી તેમના વિસ્તારમાં પોસ્ટકાર્ડ લેખન દ્વારા જાગૃતિ, ધાર્મિક સ્થળોની સાફ સફાઈ, એક પેડ મા કે નામ થીમ અનુસાર વૃક્ષારોપણ, ટીફીન બેઠક, સામૂહિક ભોજન, શાળાઓમાં કીટ વિતરણ, સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. વધુમાં સહકાર મંત્રી દ્વારા દૂધ સંઘ, ક્રેડિટ સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ વગેરે જેવી કાર્યરત મંડળીઓ માટે મોડેલ ઉપનિયમો બનાવીને અમલમાં મૂકવાની વાત આજની બેઠકમાં કરેલ હતી. ઉપરાંત મંડળીઓમાં સતત ઓડિટ થાય તેમજ મહીલાઓ અને યુવાનોને સાંકળીને ઈનોવેટીવ પ્રકારની સહકારી મંડળીઓની રચના થાય તેવી દિશામાં કામગીરી કરવા ઉપરાંત સહકારી કાયદામાં સુધારા બાબતે કોઈ સૂચન હોય તો તે મોકલી આપવા સર્વે કાઉન્સિલના સભ્યઓને આગ્રહ કર્યો હતો.
આ નેતા હાજર રહ્યા
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ, રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન, સહકાર વિભાગના સચિવ સંદીપકુમાર, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ડૉ.નરેન્દ્ર મીણા તથા સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.