Gujarat News: ગુજરાતનો ભારતમાં ડંકો, 21 મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે આવ્યું

Gujarat News: ગુજરાત ફરી એકવાર દેશના નાણાંકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર સાબિત થયું છે. નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)ના તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાત જાહેર દેવામાં ઘટાડો કરવામાં દેશના 21 મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાતે રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2% દેવું દર્શાવ્યું છે, જે રાજ્યની સક્ષમ નાણાંકીય નીતિ અને દૂરંદેશી આર્થિક આયોજનનો પુરાવો છે.

દેશના 21 મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે આવ્યું

NCAERના રિપોર્ટ અનુસાર, છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે તેના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં નોંધપાત્ર 4.5%નો ઘટાડો નોંધાવ્યો છે. આ સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “મને એ જણાવતા આનંદ થાય છે કે, NCAERના અર્થશાસ્ત્રીઓના રિપોર્ટ મુજબ, ગુજરાતે દેશના 21 મોટા રાજ્યોમાં સૌથી વધુ 4.5%નો દેવાનો ઘટાડો નોંધાવ્યો છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારની મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન અને રાજકોષીય સમજણનું પરિણામ છે.

નાણાંકીય નીતિ અને દૂરંદેશી આર્થિક આયોજન

NCAERના આંકડા દર્શાવે છે કે, ગુજરાત રાજકોષીય શિસ્ત અને આર્થિક વિકાસ વચ્ચે સંતુલન જાળવીને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરી રહ્યું છે. વર્ષ 2022-23માં ગુજરાતનો GSDP સામે દેવાનો ગુણોત્તર 18.9% હતો, જે 2023-24માં ઘટીને 18.2% થયો છે. જ્યારે અન્ય ઘણા રાજ્યો દેવાના બોજ હેઠળ દબાયેલા છે, ત્યારે ગુજરાતે દેવામાં ઘટાડો કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધુમાં, ગુજરાતે 7.4 વર્ષની સરેરાશ પરિપક્વતા સાથે સ્ટેટ સિક્યોરિટીઝ પર 7.5% સરેરાશ વ્યાજ દર જાળવી રાખ્યો છે, જે રાજ્યની નાણાંકીય સક્ષમતા દર્શાવે છે.

 

 

Scroll to Top