Gujarat News: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર થીમ સાથે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન(SEA) દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં 15થી વધુ દેશોના 400થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા.
23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે. તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહિ, પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બન્યું છે. તેમણે ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેના પરિણામે કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યાં છે.રાજ્યના એરંડા ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને એરંડા પ્રોસેસિંગ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને “રાજ્ય સરકાર હંમેશા તમારી પડખે છે” એમ જણાવી જરૂરી મદદ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક્સ, લ્યુબ્રિકન્ટ્સ અને બાયોડીઝલ જેવા અનેક ક્ષેત્રોમાં એરંડાનો ઉપયોગ વ્યાપકપણે વધ્યો છે, તેથી તેની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે અને વેલ્યૂ એડિશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વભરના બજારોમાં, ગુજરાતના એરંડાના તેલની વિશ્વસનીયતા અને ગુણવત્તા ખૂબ મહત્વની છે.
18 વર્ષથી કેસ્ટર ઉદ્યોગને વધુમાં વધુ પ્રોત્સાહિત
આ કોન્ફરન્સમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિશ્વમાં કેસ્ટરનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. દેશમાં સતત 23 વર્ષથી અને ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી કેસ્ટર ઉદ્યોગને વધુમાં વધુ પ્રોત્સાહિત કરી શકાય તે માટે SEA સતત કામ કરી રહ્યું છે. 21મી સદીમાં દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે ખાસ કરીને ગુજરાત 85 ટકા કરતા વધુ કેસ્ટરનું ઉત્પાદન કરતું હોય તેવા સમયે તેમાં વધુ પ્રગતિ થાય તે માટે આ કોન્ફરન્સમાં સતત ચર્ચાઓ કરવામાં આવશે.
15 હજાર કરોડના કેસ્ટર ઓઇલની નિકાસ
સોલવંટ એક્સ્ટ્રેક્ટર એસોશિયેશન-SEA’ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના હસ્તે વિઠ્ઠલભાઈ જી. ઉદેશી’ કેસ્ટર ઈનોવેશન એવોર્ડ તેમજ વર્ષ-2024 માટે સૌથી વધુ કેસ્ટર ઓઈલ નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર ખેડૂતો-ઉદ્યોગોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.આ કોન્ફરન્સમાં SEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી.વી.મેહતા, કો-ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાજપૂત સહિત અન્ય એરંડા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.