Gujarat News: ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર રૂ.૧૫૦ કરોડના અંદાજિત ખર્ચે ૨૨ એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ(SOUL)નું કેમ્પસ નિર્માણ પામશે. જેના દ્રારા રાજકારણ નેતૃત્વ – સામાજિક સેવા નેતૃત્વ અને જાહેર નિતી નેતૃત્વની ત્રિવેણી વિકસાવવાનો અનોખો અભિગમ- SOUL સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપથી તૈયાર કરવામાં આવશે.જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પસ નિર્માણનું ભૂમિ પૂજન કર્યું હતું. જે 24 મહિનામાં અદ્યતન કોમ્પલેક્ષ તૈયાર થશે.
સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ કેમ્પસ નિર્માણ પામશે
SOULનું આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સમીપે ૨૨ એકર વિસ્તારમાં અંદાજિત રૂ.150 કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં નિર્માણ પામવાનું છે. આ કેમ્પસમાં કોઈપણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા 1 લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી રચાયેલી આ સંસ્થા SOUL રાજકીય, સામાજિક અને જાહેર નીતિ – એમ મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે.
માર્ચ-2027થી અહીં ઔપચારિક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે તેમાં 1 થી 3 મહિનાના મધ્યમ ગાળા તેમજ 9 થી 12 મહિનાના લાંબાગાળાના અભ્યાસ કાર્યક્રમો કાર્યરત થશે. કેમ્પસ સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી એક અઠવાડિયાના ટૂંકા ગાળાના કાર્યક્રમો અને સેમિનાર્સનું આયોજન કરાશે.
રૂ.150 કરોડના ખર્ચે તૈયાર થશે
અત્યાર સુધીમાં SOUL દ્વારા વિવિધ પ્રકારના પ્રિ-લોન્ચ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલું છે. તેમાં NEPના અસરકારક અમલને સરળ બનાવવા શિક્ષણ મંત્રાલયના સહયોગથી દ્વિ દિવસીય લીડરશીપ વર્કશોપ, મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના સ્ટાફ માટે એક દિવસીય ચિંતન શિબિરનો સમાવેશ થાય છે. લોકોના હિતને પ્રાધાન્ય આપતા સક્ષમ નેતૃત્વના વિકાસની તકો સાથે જાહેર ક્ષેત્ર, આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખતા ઉમેદવારો અને યુવાનોને લીડરશીપ તાલીમ માટે SOUL યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.SOULમાં પ્રવેશ માટે જાહેર સેવા પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવતા વ્યક્તિઓને લેટર ઓફ ઈન્ટેન્ટ અને પેનલ ઈન્ટરવ્યૂ દ્વારા યોગ્યતાના ધોરણે પસંદ કરવામાં આવશે. ઉદ્યોગ, સરકાર અને વૈશ્વિકનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો SOULમાં ફેકલ્ટી તરીકે સેવાઓ આપશે.
ઉત્સુક યુવાઓ માટે તાલીમ અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SOULના આ અભિગમને વાસ્તવિક સ્વરૂપ આપતા અદ્યતન કેમ્પસનું ભૂમિ પૂજન SOULના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન સુધીર મહેતા, SOULના બોર્ડ મેમ્બર્સ, ભારત સરકારનાં પૂર્વ નાણાં સચિવ અને SOUL એક્ઝેક્યુટિવ કમિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા તેમજ આમંત્રિતો અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કર્યું હતું.