Gujrat News: ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Geniben Thakor) તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે.વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ રાજ્યના અન્ય કલાકારોએ પણ વેદના ઠાલવી હતી. જેમાં સાગર પટેલ,હકાભા,દેવ પગલી જેવા વિવિધ કલાકારોએ નિવેદન આપ્યા હતા. હવે આ ઘટનામાં ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) પણ નિવેદન આપ્યું છે.
હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું
ઠાકોર સમાજના આગેવાન અને સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) સોશયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ઠાકોર સમાજના કલાકારોની અવગણના સામે રાજકીય સ્તરે પણ નારાજગી જોવા મળી રહી છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહીં. આ માત્ર અવગણના નથી, પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઈ છે. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે, તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું.
શું હતી સમગ્ર ઘટના
વિક્રમ ઠાકોરે (Vikram Thakor) સરકારને વિનંતી કરી હતી કે, જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજ ખૂબ મોટો છે અને દરેક પક્ષને સમર્થન કરે છે, તેથી સમાજના કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોક કલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.વિક્રમ ઠાકોરની આ નારાજગી અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે.