Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી “બિમસ્ટેક યુથ સમિટનો પ્રારંભ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી ડો. મનસુખ માંડવીયા (mansukh mandviya)ની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.બે ઑફ બંગાલ ઇનીશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનૉમિક કોઑપરેશન (બિમસ્ટેક) રાષ્ટ્રોના યુવાઓની આ પાંચ દિવસીય પ્રથમ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહી છે.બિમસ્ટેકના સભ્ય દેશોની યુવાશક્તિનું યોગદાન ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-2030 સાકાર કરવામાં પ્રેરિત કરવાના સામૂહિક વિચારમંથન માટે આ સમિટ યોજવામાં આવી છે.
મોદીના નેતૃત્વમાં ભારતનો વિકાસ અભિગમ
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને 4.5 ટ્રિલિયન ડોલરની સંયુક્ત જીડીપી ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી, જેના પરિણામે આજે આ સમિટની શરૂઆત થઈ છે.
સમગ્ર માનવજાતના કલ્યાણ કેન્દ્રિત રહ્યો
ડૉ. માંડવિયાએ કહ્યું કે તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક ફોરમના “ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ”માં જણાવવામાં આવ્યું છે કે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઝડપી પ્રગતિને કારણે 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 170 મિલિયન નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ત્યારે કુશળ વ્યાવસાયિકોની વૈશ્વિક માંગ વધી રહી છે આ માટે ભારતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી લઈને સ્કિલ ઇન્ડિયા મિશન સુધીના કૌશલ્ય અંતરને દૂર કરવા માટે વિવિધ પહેલ કરી છે. સ્કિલ ઇન્ડિયા યોજના હેઠળ 1.5 કરોડથી વધારે યુવાનોને એઆઇ, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી છે અને તેમને ઉદ્યોગ સાથે સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવામાં આવ્યા છે અને તેમને ભવિષ્યના જોબ માર્કેટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ પહેલોના પરિણામે છેલ્લા એક દાયકામાં ભારતીય સ્નાતકોની રોજગારક્ષમતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે 2013માં 33.95 ટકાથી વધીને 2024માં 54.81 ટકા થયો છે, જે નોકરીની તત્પરતામાં 61 ટકાનો સુધારો દર્શાવે છે.