Gujarat News: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા નરસિંહપુરા કડી ખાતે રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીર (paneer) નું ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીર (paneer) નો નમુનો લેવામાં આવેલ અને પનીર (paneer) નો બાકીનો 2300 કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ.5.5.લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવ્યું છે.
કડી, મહેસાણા ખાતેથી શંકાસ્પદ પનીર પકડાયુ
આ પનીર (paneer) નો શંકાસ્પદ જથ્થો ઝમઝમ રેસ્ટોરન્ટ, વિરમગામ; હોટલ સહયોગ, વિરમગામ; મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ; આઈ ખોડલ ઢાબા, છત્રાલ; હોટલ અમીરસ, છત્રાલ અને હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસ ની હોટેલોમાં આશરે રુ.240 પ્રતિ કિગ્રાના દરે વેચાતો હતો.
5 લાખ અને 50 હજારની જથ્થો ઝપ્ત કર્યો
કડી તાલુકામાં અન્ય એક પેઢી મે.ધરતી ઈંડસ્ટ્રીઝ, મુ. તા. કડી જી. મહેસાણા ખાતે તેલ માં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલ માં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ 1600 કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ.2.30 લાખ થાય છે. જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે.આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.